<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

અમદાવાદના રખિયાલ માં શિક્ષક પર હુમલો :દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ લેવા ગયેલ વાલીએ છરી ઝીકી દીધી

શિક્ષકે શુક્રવારે આવવાનું કહેતા વાલી ઉશ્કેરાઈ ગયા અને પહેલાં શિક્ષકને લાફો માર્યો અને ત્યારબાદ ખિસ્સામાંથી છરી કાઢીને તેમના માથા પર હુમલો કર્યો

 

અમદાવાદના રખિયાલ સ્થિત નૂતન ભારતી વિદ્યાલયમાં એક વાલીએ શાળાના શિક્ષક પર છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી.) લેવા ગયેલા વાલીને શિક્ષકે શુક્રવારે આવવાનું કહેતા વાલી ઉશ્કેરાઈ ગયા હતા.વાલીએ પહેલાં શિક્ષકને લાફો માર્યો અને ત્યારબાદ ખિસ્સામાંથી છરી કાઢીને તેમના માથા પર હુમલો કર્યો હતો. બનાવ અંગે શિક્ષકે તાત્કાલિક રખિયાલ પોલીસ સ્ટેશનમાં વાલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

28 જૂન 2025ના રોજ બનેલા આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, શનિવારે હાજી મુસ્તાક અહેમદ નામના વાલી તેમની ધોરણ 6 માં અભ્યાસ કરતી દીકરીનું એલ.સી. લેવા માટે શાળાએ ગયા હતા. હાજી મુસ્તાક પહેલાં સ્કૂલના પ્રિન્સિપાલને મળ્યા હતા. ત્યારબાદ ક્લાર્ક કમ શિક્ષક શબ્બીર શેખને મળ્યા હતા. શિક્ષક શબ્બીર શેખ સાથે તેમણે એલ.સી. બાબતે વાતચીત કરી હતી. શબ્બીર શેખે હાજી મુસ્તાકને શુક્રવારે એલ.સી. લેવા આવવાનું કહ્યું હતું. જેથી હાજી મુસ્તાક ઉશ્કેરાઈ ગયા હતા. પ્રિન્સિપાલે સોમવારે એલ.સી. આપવાનું કહ્યું હોવા છતાં તમે કેમ શુક્રવારનું કહો છો તેમ કહી હાજી મુસ્તાક ઉશ્કેરાયા હતા અને શિક્ષક સાથે બોલાચાલી થઇ હતી.

 

બોલાચાલી ઉગ્ર બની ગઇ હતી અને હાજી મુસ્તાકે શબ્બીર શેખને લાફો મારી દીધો હતો. શિક્ષક ઉભા થયા ત્યારે હાજી મુસ્તાકે ખિસ્સામાંથી છરી કાઢીને શબ્બીર શેખના માથાના ભાગે મારી દીધી હતી. દરમિયાન સ્કૂલનો સ્ટાફ ભેગો થઈ ગયો અને બંનેને છોડાવ્યા હતા. ઇજાગ્રસ્ત શિક્ષક શબ્બીર શેખને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. શિક્ષકને માથાના ભાગે ઈજા થતાં 7 ટાંકા આવ્યા છે. બનાવ અંગે રખિયાલ પોલીસ સ્ટેશનમાં શબ્બીર શેખે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્કૂલમાં બનેલો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી પણ હાથ ધરી હતી.

(3:51 PM IST)