<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

નર્મદા પોલીસમાં વાડ જ ચીભડા ગળે જેવી ઘટના: નર્મદા સાયબર સેલનો પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી વિરુદ્ધ સાયબર ફ્રોડનો ગુનો દાખલ થયો

રાજકોટ પોલીસની બસે થાર ગાડીને અથડાવાની ઘટનામાં પણ પોલીસે યોગ્ય ફરિયાદ નહી દાખલ કરી રાજકોટ પોલીસને છાવરવાનો પ્રયાસ કર્યો હતો

( ભરત શાહ દ્વારા )નર્મદા: સાયબર ક્રાઇમ ના કોન્સ્ટેબલ અને કોમ્યુટર ઓપરેટર લક્ષ્મણ ચૌધરી સામે LCB પી.એસ.આઈ ડી.એ.રાઠોડ દ્વારા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

     મળતી વિગતો અનુસાર સાયબર ક્રાઇમ પોલિસ સ્ટેશન ના કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી એ પોતાના અધિકારી ને વિશ્વાસમાં લીધા વગર બેન્કો માં જરૂરી એકાઉન્ટ સીઝ કરવા સૂચના આપી હતી. અને આ સીઝ એકાઉન્ટ માંથી રૂપિયા પણ ઉપાડ્યા હોવાની બૂમ ઉઠતા પોલીસે એક્શન લેવાની ફરજ પડી હતી. હાલ આ પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી  ને તાત્કાલિક પોલીસ અધીક્ષક નર્મદા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અને તેની સામે સાયબર ફ્રોડ નો ગુનો નોધી તપાસ SOG પી.આઈ. વાય.આર.સિરસાઠ ને સોંપવામાં આવી છે.
     આમ તો પોલીસ વિભાગનું સાયબર સેલ લોકોની સાયબર ફ્રોડની ફરિયાદનો નિવેડો લાવે છે ત્યારે નર્મદા જિલ્લા સાયબર સેલના જ એક પોલીસ કોન્સ્ટેબલ કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ કરી નાખ્યું હોવાનું જાણવા મળ્યું છે.રાજપીપળા પોલીસ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા એકાદ વર્ષથી રાજપીપળા પોલીસના સાયબર સેલમાં કામ કરતા પોલીસ કર્મી લક્ષ્મણ ચૌધરી એ કોઈની પણ ફરિયાદ વગર જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓની જાણ બહાર સરકારી મેલ આઇડી પરથી જે પણ માલેતુજાર હોય એના બેન્ક ખાતા બંધ કરવા માટે જે તે બેંકોને મેલ દ્વારા જાણ કરતો હતો. હવે પોલીસ વિભાગના સરકારી મેલ દ્વારા જાણ થતા જે તે બેંક એ બેંક ખાતા બંધ કરી દેતી હતી. જેના બેંક ખાતા બંધ થાય એ પોતાની ફરિયાદ નોંધાવા માટે રાજપીપળા સાયબર સેલમાં આવતા હતા.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે પણ આવી ફરિયાદ માટે સાયબર સેલમાં આવે એની પાસેથી આ પોલીસ કર્મી રૂપિયાની પડાવતો હતો.
   આ બાબતની જાણ નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે ને થતા એમણે આ બાબતની તપાસ એ.એસ.પી લોકેશ યાદવને સોંપી હતી. છેલ્લા 3 મહિનાની તપાસ બાદ સાયબર સેલના પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી એ સાયબર ફ્રોડ કર્યું હોવાનો રિપોર્ટ જિલ્લા પોલીસ વડાને કર્યો હતો. નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે એ આ બાબતે રેન્જ આઇજી અને ડીજીપી તથા ગૃહ વિભાગને જાણ કરી હતી.ત્યાંથી આ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની સૂચના મળતા લક્ષ્મણ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ બાબતે વધુ તપાસ નર્મદા એસઓજી પોલીસ કરી રહી છે. આ બાબતે રાજપીપળા ટાઉન પીઆઈ વી.કે.ગઢવીએ જણાવ્યું હતું કે લક્ષ્મણ ચૌધરીએ કેટલા રૂપિયાની સાયબર ફ્રોડ કર્યું છે એ જાણવા મળ્યું નથી.પણ લક્ષ્મણ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
– જ્યારે જ્યારે પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ થાય છે ત્યારે નર્મદા પોલીસ ગુના ની વિગત ઓનલાઇન કે ક્રાઈમ રિપોર્ટ માં નહીં મૂકી છાવરવા પ્રયાસ કરે છે, તાજેતર માં રાજકોટ પોલીસ ની બસે એક થાર ગાડી ને અથાડી જેમાં ફરિયાદ ની ફરિયાદ મુજબ ગુનો દાખલ નહીં કરી પોલીસ સ્ટાફ ને બચાવવા પ્રયાસ કરાયો હતો

(10:49 PM IST)