તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
આવતીકાલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ બે દિવસ કચ્છમાં : કચ્છી નવા વર્ષની ઉજવણી સાથે દેશના પ્રથમ સરહદી ગામ કુરનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવશે!
મુખ્યમંત્રી કુરન ખાતેથી અંદાજે રૂ. ૧૦૭ કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે : ભુજમાં રાષ્ટ્રીય મહિલા હેન્ડબોલ સ્પર્ધા ખુલ્લી મૂકશે : રિન્યુએબલ એનર્જી પાર્ટની પણ લેશે મુલાકાત!

(વિનોદ ગાલા) ભુજ : કચ્છના પ્રથમ સરહદી ગામ કુરનથી રાજ્યકક્ષાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવવા સહિત વિવિધ કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થવા અને કુરન ખાતે આયોજિત વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૨૭ અને ૨૮ જૂન એમ બે દિવસ કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. મુખ્યમંત્રીના આ પ્રવાસને કારણે કચ્છમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૨૭ જૂનના રોજ સાંજે ૬:૦૦ કલાકે ભુજના ઐતિહાસિક હમીરસર તળાવના કાંઠે આયોજિત સાંસદ કાર્નિવલને ખુલ્લો મૂકી તેનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી કુરન ગામ ખાતે રાત્રિરોકાણ કરશે.
તા. ૨૮ જૂનના રોજ મુખ્યમંત્રી સવારે ૯:૦૦ કલાકે કુરન ખાતેની શાળામાં રાજ્યકક્ષાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી બનશે અને માસૂમ બાળકોને શાળામાં પ્રવેશ અપાવશે. ત્યારબાદ મુખ્યમંત્રી કુરન ચેકડેમની મુલાકાત લઈને વૃક્ષારોપણ પણ કરશે. બાદમાં સવારે ૧૦:૦૦ કલાકે મુખ્યમંત્રી કુરન હાઈસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં અંદાજે રૂ. ૧૦૭ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામોની કચ્છના નાગરિકોને ભેટ આપશે, જે કચ્છના વિકાસને વધુ વેગ આપશે.
ત્યારબાદ તેઓ સવારે ૧૧:૦૦ કલાકે ખાવડા સરહદી વિસ્તારમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કની મુલાકાત લેશે, જ્યાં તેઓ પ્રગતિની સમીક્ષા કરશે. બાદમાં મુખ્યમંત્રી ભુજ પહોંચીને આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતેથી રાષ્ટ્રીયકક્ષાની નેશનલ હેન્ડબોલ સ્પર્ધાનો પ્રારંભ કરાવશે, જે રમતગમત ક્ષેત્રે કચ્છ અને રાજ્યની ગરિમા વધારશે. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી બપોરના ૩:૦૦ કલાકે ભુજમાં સિંદૂર વન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બનશે, પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપશે. મુખ્યમંત્રીનો આ પ્રવાસ કચ્છના વિકાસ અને સામાજિક કાર્યોને વેગ આપશે તેવી અપેક્ષા છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
