<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

રાજ્યમાં અસામાજિક તત્વો સામે પોલીસની કડક ઝુંબેશ યથાવત રહેશે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઘોષણા

જૂનાગઢમાં ૧૦૭ ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત કારા રબારીના આલિશાન બંગલો અને વૈભવી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવાયું : કરોડોની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ

જૂનાગઢ,તા. ૨૬ જૂન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના સક્રિય માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં અસામાજિક તત્વો અને ગેરકાયદે દબાણો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહીનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુનેગારોને સીધી અને સ્પષ્ટ ચેતવણી આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની આ ઝુંબેશ ભવિષ્યમાં પણ ચાલુ જ રહેશે.
આ અભિયાનના ભાગરૂપે, આજે જૂનાગઢમાં એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢના કુખ્યાત ગુનેગાર કારા રબારી, જે ૧૦૭ જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે, તેના આલિશાન બંગલો અને વૈભવી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ગેરકાયદે દબાણ કરીને બાંધવામાં આવેલા આ બાંધકામોને તોડી પાડીને સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે, જેથી આ જમીનનો ઉપયોગ નાગરિકોની સુખાકારી અને કલ્યાણકારી કાર્યો માટે થઈ શકે.
રાજ્ય સરકારના ગુનાખોરી અને ગેરકાયદે દબાણ સામેના કડક અભિયાન હેઠળ આજે જૂનાગઢમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કારા દેવરાજભાઇ રાડા રબારી (ઉંમર ૫૦ વર્ષ) દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આ આરોપીએ જૂનાગઢના લીરબાઇપરા ખાતે સર્વે નંબર-૩૦૮માં ૭૫૦ ચોરસ મીટરની વિશાળ જગ્યામાં આલીશાન બંગલો બનાવ્યો હતો. આ ઉપરાંત, કેન્દ્રીય વિદ્યાલય નજીક સર્વે નંબર-૩૯૭માં ૩૫,૦૦૦ ચોરસ મીટરની બહુમૂલ્ય જગ્યામાં વૈભવી ફાર્મ હાઉસ પણ ગેરકાયદેસર રીતે ઊભું કર્યું હતું, જેને જૂનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની આગેવાની હેઠળની ટીમે સ્થાનિક તંત્રની મદદથી આજે આ બંને ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરી દીધા છે.
કારા રબારીનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ભયાવહ છે. તેની સામે અત્યાર સુધીમાં કુલ ૧૦૭ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ૪ ખૂન, ૩ ખૂનની કોશિશ, ૪ અપહરણ, ૧૦ લૂંટ, ૬ પોલીસ ફરજમાં રૂકાવટ, ૪ બળજબરીથી કઢાવી લેવું (ખંડણી), ૨૫ મારામારી, ૪૬ પ્રોહિબિશન (દારૂબંધી ભંગ), ૧ હથિયાર ધારા અને ૪ અન્ય ગુનાઓનો સમાવેશ થાય છે. આટલું જ નહીં, તેની સામે બે વખત PASA (પ્રિવેન્શન ઓફ એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. વધુમાં, તેની સમગ્ર ગેંગ સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (GCTOC) હેઠળ પણ ગંભીર ગુનો નોંધાયો છે, જે તેની સંગઠિત ગુનાખોરીમાં સંડોવણી દર્શાવે છે.
આ કાર્યવાહી દર્શાવે છે કે, રાજ્ય સરકાર ગુનેગારો સામે કોઈ પણ જાતની નરમાશ રાખવાના મૂડમાં નથી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ પર કાયદાનો કડક સકંજો કસવા પ્રતિબદ્ધ છે.

 

(4:11 PM IST)