<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

નાંદોદ તાલુકાનું ટંકારી ગામ ભારે વરસાદમાં સંપર્ક વિહોણું બન્યું : વર્ષોથી માંગ છતાં નાળુ બનતું નથી

ધારાસભ્ય ડો.દર્શનાબેનને રજૂઆત કર્યા બાદ આ વર્ષે નાળાની મંજૂરીનું કામ ધારાસભ્યએ લેવડાવ્યું : ધોધમાર વરસાદમાં ગામની ચારે તરફ પાણી ફરી વળતા ગામમાંથી આવવું જવું મુશ્કેલ બન્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા ટંકારી ગામ ઘણા વર્ષોથી વરસાદમાં સંપર્ક વિહોણું બની જાય છે અને આ વર્ષે પણ ભારે વરસાદ પડતા ગામમાં ચારે તરફ પાણી ભરાઈ જતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું, ગામના દરેક રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા ગામમાંથી જવું કે આવવું મુશ્કેલ બને છે ત્યારે ખેડૂતો ને ખેતરે પણ જઈ શકાતું નથી અને ખેતરોમાં પણ પાણી ફરી વળતા પાકને મોટું નુકશાન થાય છે.

ગ્રામજનો ના જણાવ્યા મુજબ ઘણા વર્ષથી આ સમસ્યા છે અને આ બાબતે અનેકવાર રજુઆતો કરી હતી છતાં કોઈ આ ગામ તરફ જોનાર નથી, હાલ માં ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ ને રજૂઆત કરી છે.તો અમને આશા છે કે ધારાસભ્ય નાળા માટે કંઈક કરશે.
આ માટે ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ પૂછતા તેમને જણાવ્યું કે ગ્રામજનો એ મને રજૂઆત કરી હતી અને ટંકારી ગામના ગ્રામજનો ને હવે તકલીફ ના પડે એ માટે મેં આ વર્ષે નાળા ની મંજૂરી નું કામ લેવડાવ્યું છે માટે હવે આ ગામમાં નાળું બનશે ત્યારબાદ કોઈ તકલીફ નહીં પડે.

(11:30 PM IST)