<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

અમદાવાદ મધ્યસ્થ જેલમાં ‘એક નઈ ઉમ્મીદ’ યોજના હેઠળ 38 બંદી બાળકોને શિક્ષણ માટે સન્માનિત કરાયા

રાજ્યની જુદી-જુદી જેલોમાં રહેલા 38 બાળકો, જેમણે વર્ષ ૨૦૨૫માં ધોરણ ૧૦, ૧૨ અથવા ઉચ્ચ અભ્યાસક્રમની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી

અમદાવાદ :સમાજના એક ખૂણે, જ્યાં સામાન્યતઃ સજા અને શિસ્તની વાત થતી હોય છે, ત્યાં આજે આશા, સંવેદના અને સંભાવનાની હળવી હવા વહેતી જોવા મળી. અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે "એક નઈ ઉમ્મીદ" યોજના અંતર્ગત એક હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો, જેનો ઉદ્દેશ જેલમાં રહેલા બંદીવાનોના બાળકોને ભણતર અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવો હતો.

રાજ્યની જુદી-જુદી જેલોમાં રહેલા 38 બાળકો, જેમણે વર્ષ ૨૦૨૫માં ધોરણ ૧૦, ૧૨ અથવા ઉચ્ચ અભ્યાસક્રમની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી, તેમના સન્માનમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

આ બાળકો પોતાના પિતાઓના ગુનાઓથી નથી ઓળખાતા, તેઓ હવે પોતાની કાબિલિયતથી ઓળખાવા માંગે છે – અને આ કાર્યક્રમ એ પ્રયાસ છે, તેમને એ ઓળખ આપવામાં મદદ કરવા માટે.

પ્રતિબદ્ધતા અને સપનાની સાથે ભણતર કરનારા આ બાળકોને રાજ્યના જેલ વડા ડૉ. કે.એલ.એન. રાવ (DGP)ના વરદ હસ્તે રોકડ ઇનામ અને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યાં

કાર્યક્રમમાં બરોડા અને અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષકઓ, અધિકારીઓ, જેલ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં બંદીઓ એ પણ ભાગ લીધો હતો. ડૉ.રાવ કહ્યું કે, આ બાળકોના પિતાઓ જેલમાં છે એ સજાની વાત છે, પરંતુ એ બાળકોનો ભવિષ્ય જળવાય તે સમાજનીCollective જવાબદારી છે.”

કાર્યક્રમ દરમિયાન જણાવાયું કે ભવિષ્યમાં સિવિલ સર્વિસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થનાર બંદી બાળકોને પણ પુરસ્કાર આપવામાં આવશે. સાથે સાથે, જિલ્લા અને રાજ્ય કક્ષાની રમતગમત સ્પર્ધાઓમાં સફળતાપૂર્વક ભાગ લેનાર બાળકોને પણ સમ્માનિત કરવામાં આવશે. આ પગલાથી આવા બાળકોમાં આત્મવિશ્વાસ વધશે અને સમાજ સાથે જોડાવાની ઉત્તમ તક મળશે.

કાર્યક્રમમાં જેલમાંથી મુક્ત થયા પછી બંદીઓ સમાજમાં પુનઃસ્થાપિત થઈ શકે તે માટે કૌશલ્ય વિકાસના વિવિધ કોર્સો જેમ કે કોમ્પ્યુટર તાલીમ, સિવીંગ, પ્લમ્બિંગ, મોટર રીપેરીંગ, ઘર ઉદ્યોગ – વગેરે શરૂ કરાયા છે.

 

(6:57 PM IST)