તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
આદિજાતિ વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય : 2025-26થી મેડિકલ, એન્જિનિયરિંગ સહિતના ખાનગી અભ્યાસક્રમોની સંપૂર્ણ ટ્યુશન ફી રાજ્ય સરકાર ચૂકવશે!
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના નિયમોમાં ધરખમ ફેરફાર, ગુણવંત વિદ્યાર્થીઓને સરકારી ક્વોટાની બેઠકોમાં શિષ્યવૃત્તિ મળશે : નાક એક્રેડિટેશન વગરની ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ લાભ

રાજકોટ, 25 જૂન 2025: ગુજરાત સરકારે આદિજાતિના વિદ્યાર્થીઓના ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક ક્રાંતિકારી અને અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શૈક્ષણિક વર્ષ 2025-26થી ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ, ઇજનેરી તેમજ અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનારા આદિજાતિના વિદ્યાર્થીઓની નિયત ટ્યુશન ફી ઉપરાંતની વધારાની રકમ પણ રાજ્ય સરકાર ભોગવશે. આ નિર્ણય પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ કરવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ આદિજાતિના વિદ્યાર્થીઓ કોઈપણ આર્થિક ભારણ વગર ઉચ્ચ અભ્યાસ કરી શકે તે છે.
શિક્ષણમંત્રી ડો. કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ આ યોજનાને લગતા નિયમોમાં કેટલાક આમૂલ ફેરફારો કરવામાં આવ્યા છે.
યોજનાના મુખ્ય ફેરફારો અને લાભો:
* સંપૂર્ણ ટ્યુશન ફીનું વહન: અત્યાર સુધી ખાનગી સંસ્થાઓમાં મેડિકલ, ઇજનેરી અને અન્ય અભ્યાસક્રમો માટે ટ્યુશન ફીની વાર્ષિક મર્યાદા અનુક્રમે રૂ. 6 લાખ, રૂ. 2.50 લાખ અને રૂ. 1 લાખ રાખવામાં આવી હતી. હવે શૈક્ષણિક વર્ષ 2025-26થી, ભારત સરકાર દ્વારા આ અભ્યાસક્રમો માટે નક્કી કરવામાં આવેલી ફી ઉપરાંતની કોઈપણ વધારાની ટ્યુશન ફી હશે તો તે રકમ પણ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ નિર્ણય આદિજાતિના વિદ્યાર્થીઓને મોંઘા પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવવા અને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે.
* વર્તમાન વિદ્યાર્થીઓને જૂના નિયમ મુજબ લાભ: શૈક્ષણિક વર્ષ 2024-25માં કે તે પૂર્વે જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી શિષ્યવૃત્તિનો લાભ મેળવ્યો છે, તે તમામ વિદ્યાર્થીઓને તેમનો કોર્સ પૂર્ણ થાય ત્યાં સુધી જે તે સમયની માર્ગદર્શિકા મુજબ શિષ્યવૃત્તિનો લાભ મળતો રહેશે.
* FRC અને Non FRC અભ્યાસક્રમોને પણ આવરી લેવાયા: એમ્પેનલ ન થયેલી FRC (ફી રેગ્યુલેશન કમિટી) અને Non FRC અભ્યાસક્રમો કે સંસ્થાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પણ નિયત ધારાધોરણ અનુસાર શિષ્યવૃત્તિ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, શૈક્ષણિક વર્ષ 2026-27થી આવા અભ્યાસક્રમો/સંસ્થાઓ માટે નવેસરથી વિચારણા કરવામાં આવશે.
* NAAC એક્રેડિટેશન વગરની ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ લાભ: જે ખાનગી યુનિવર્સિટીઓએ NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ) એક્રેડિટેશન મેળવ્યું ન હોય, તેમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ પણ શૈક્ષણિક વર્ષ 2025-26 માટેની શિષ્યવૃત્તિને પાત્ર રહેશે. આનાથી વિદ્યાર્થીઓને સંસ્થાઓની પસંદગીમાં વધુ લવચીકતા મળશે.
* પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં મેરીટોરીયસ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ: પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં વર્ષ 2025-26થી સરકારી ક્વોટા માટે નિયત કરાયેલી બેઠકોની ટકાવારીની મર્યાદામાં મેરીટ યાદીમાં પ્રવેશ મેળવનાર ગુણવંત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો વિશેષ લાભ આપવામાં આવશે. આનાથી પ્રતિભાશાળી આદિજાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ દર વર્ષે 2.50 લાખથી વધુ આદિજાતિના વિદ્યાર્થીઓને આશરે રૂ. 650 કરોડની સહાય ચૂકવવામાં આવે છે. સરકારનો આ નિર્ણય આદિજાતિ સમુદાયના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અને રોજગારીની તકો મેળવવા માટે સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેનાથી તેમની શૈક્ષણિક કારકિર્દીનું સુદૃઢ ઘડતર થશે.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
