તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
અમદાવાદની 148મી રથયાત્રા માટે અભૂતપૂર્વ સુરક્ષા : ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રૂટ નિરીક્ષણ કરી AI અને ડ્રોન ટેકનોલોજીથી ક્રાઉડ મેનેજમેન્ટની જાહેરાત કરી
ગૃહ રાજ્યમંત્રીએ નેત્રોત્સવ વિધિમાં ભાગ લીધો : 3D મેપિંગ આધારે પોલીસ બંદોબસ્ત : 3500 CCTV કેમેરા : 23,844 પોલીસ જવાનો ખડેપગે : સામાજિક એકતાનું પ્રતીક રથયાત્રા માટે વ્યાપક તૈયારીઓ

અમદાવાદ, 25 જૂન 2025: ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનારી 148મી ભવ્ય રથયાત્રા માટે સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે જગન્નાથજી મંદિરમાં નેત્રોત્સવ વિધિમાં સહભાગી થઈને આરતી ઉતારી હતી અને ધ્વજારોહણ પણ કરાવ્યું હતું, જે બાદ તેમણે રથયાત્રાના સમગ્ર રૂટનું પગપાળા નિરીક્ષણ કરીને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ સમીક્ષામાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રથયાત્રાના રૂટ નિરીક્ષણ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા એ માત્ર આસ્થાની યાત્રા નથી, પરંતુ વ્યવસ્થાની પણ સૌથી મોટી યાત્રા છે. તેમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે, દેશમાં પ્રથમ વખત અમદાવાદની રથયાત્રામાં ક્રાઉડ મેનેજમેન્ટ (ભીડ નિયંત્રણ) માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન ડ્રોન અને AI ટેકનોલોજીથી જનમેદની પર સતત નજર રાખવામાં આવશે, જેથી ભાગદોડ જેવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું સંપૂર્ણ ધ્યાન રાખી શકાય.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાવિક-ભક્તો જગન્નાથજીના દર્શન સરળતાથી કરી શકે અને તેમને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે આધુનિક ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે. રથયાત્રાની વિશેષ સુરક્ષા વ્યવસ્થા અંગે વાત કરતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રથયાત્રાના સમગ્ર રૂટનું 3D મેપિંગ કરાવવામાં આવ્યું છે અને આ 3D મેપિંગના ગ્રાફિક્સના આધારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષાના આયોજનમાં 3500 CCTV કેમેરા, 2872 બોડી વોર્મ કેમેરા, 240 ટેરેસ પોઇન્ટ (ધાબા પર પોલીસની તૈનાતી), 25 વૉચ ટાવર અને 23,844 જેટલા પોલીસ જવાનોનો સમાવેશ થાય છે, જે અમદાવાદ રથયાત્રા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરશે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 213 જેટલી રથયાત્રાઓ યોજવામાં આવે છે. આ તમામ રથયાત્રાઓમાં ધાર્મિક સંસ્થાઓ સાથે સંકલન કરીને ગુજરાત પોલીસે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે અમદાવાદની રથયાત્રા એ સામાજિક એકતાનું પ્રતીક છે. અમદાવાદ પોલીસે સોશિયલ પોલિસિંગ થકી તમામ સમુદાયો વચ્ચે ભાઈચારો વધુ ગાઢ બને તેવા પ્રયાસો હાથ ધર્યા છે, જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટ સહિતની રમતોનું આયોજન અને મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા મહિલાઓ સાથે બેઠક યોજીને શાંતિપૂર્ણ માહોલ માટે તેમનો સહયોગ મેળવવાનો પ્રયાસ પણ કરાયો છે.
રથયાત્રાના રૂટ પરનાં જર્જરિત મકાનો અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, જર્જરિત મકાનોનો સર્વે હાથ ધરીને 484 ભયજનક મકાનોને ઓળખી કાઢી તમામ સીલ કરવામાં આવ્યાં છે, તેમજ છાપરા-પતરાથી બ્લોક કરવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી કરવામાં આવી છે.
રથયાત્રા દરમિયાન નાનાં બાળકો ખોવાઈ જાય તો તેમને પરિવાર સુધી પહોંચાડવા માટે રથયાત્રાના રૂટ પર 17 જનસહાય કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે. ગયા વર્ષે આવાં કેન્દ્રો દ્વારા 65થી વધુ બાળકોને સહી સલામત રીતે તેમના પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યાં હતાં, તેમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ શહેર પોલીસની નિષ્ઠાપૂર્વકની કામગીરીની પ્રશંસા કરી હતી.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
