<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

ઉત્તરાખંડમાં ઊર્જા ક્રાંતિ : ગુજરાત સરકારે ટેહરી ગઢવાલ ખાતે 184.08 મેગાવોટ પમ્પડ સ્ટોરેજ પ્રોજેક્ટ માટે THDC સાથે MoU કર્યા : નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ અને THDC ના અધ્યક્ષ આર.કે. વિશ્નોઈની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર

ગુજરાતનો 2030 સુધીમાં 100 GW રિન્યૂએબલ ઊર્જાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક : નેટ ઝીરો ઉત્સર્જનના ધ્યેય ભણી મહત્વપૂર્ણ કદમ : સૌર ઊર્જાનો મહત્તમ ઉપયોગ અને સ્થિર વીજ પુરવઠો સુનિશ્ચિત થશે

ગાંધીનગર: ગુજરાત સરકારે ભવિષ્યની ઊર્જા સુરક્ષા અને સ્વચ્છ, પ્રદૂષણમુક્ત ઊર્જા વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. આજે ગાંધીનગર ખાતે નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ અને THDC (Tehri Hydro Development Corporation) ના અધ્યક્ષ આર.કે. વિશ્નોઈની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત સરકારે ઉત્તરાખંડના ટેહરી ગઢવાલ ખાતે 184.08 મેગાવોટ પમ્પડ સ્ટોરેજ ક્ષમતા માટે THDC ઈન્ડિયા લિમિટેડ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા.
આ ઐતિહાસિક કરાર પર ઊર્જા વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એસ.જે. હૈદર, THDC ઈન્ડિયા લિમિટેડના ડિરેક્ટર (ફાઈનાન્સ) એસ.કે. ગર્ગ અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ના મેનેજિંગ ડિરેક્ટર અનુપમ આનંદ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાના ધ્યેયને પૂર્ણ કરવા માટે ગુજરાત રિન્યૂએબલ ઊર્જા અપનાવવામાં સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. મે 2025 સુધીમાં 35.94 ગીગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે ગુજરાત દેશભરમાં શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. ગુજરાતે વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટથી વધુ રિન્યૂએબલ ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક પણ નિર્ધારિત કર્યો છે, જે ભારતના સ્વચ્છ ઊર્જાના લક્ષ્યાંકમાં રાજ્યના મહત્વપૂર્ણ યોગદાનને પ્રદર્શિત કરે છે.
ઉલ્લેખનીય છે કે, પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ (PSP) ઊર્જા પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે વિશાળ પાયે ઊર્જા સંગ્રહને શક્ય બનાવે છે. સામાન્ય રીતે, દિવસે જ્યારે સૌર ઊર્જાનું વધુ ઉત્પાદન થાય છે, ત્યારે PSP નીચલા જળાશયમાંથી ઉપરના જળાશયમાં પાણી પમ્પ કરવા માટે સૌર ઊર્જાની વીજળીનો ઉપયોગ કરે છે. જ્યારે સૌર ઊર્જા ઉપલબ્ધ ન હોય અને વીજળીની માંગ વધી જાય છે, ત્યારે આ જ પાણી ઉપરના જળાશયમાંથી નીચે છોડવામાં આવે છે અને ટર્બાઇન દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા ગ્રીડને વધુ સંતુલિત બનાવે છે, રિન્યૂએબલ ઊર્જાનો શ્રેષ્ઠ ઉપયોગ સુનિશ્ચિત કરે છે, ઇંધણ આધારિત ઊર્જા પરનો આધાર ઘટાડે છે અને સ્થિર તેમજ વિશ્વસનીય વીજ પુરવઠાને સુનિશ્ચિત કરે છે.
આમ, આ સમજૂતીપત્ર રાજ્ય સરકારની રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને ભવિષ્ય માટે ઊર્જા સુરક્ષા, સ્વચ્છ તથા પ્રદૂષણમુક્ત ઊર્જા વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

 

(3:36 PM IST)