તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
‘મિસાવાસીની જેલ ડાયરી' : વિષ્ણુ પંડયાના નવા પુસ્તકનું કાલે કેન્દ્રીય મંત્રીના હસ્તે લોકાર્પણ : અમદાવાદમાં વિમોચન સમારોહ
ગુજરાતમાં ૫૩૨ અટકાયતીઓને કઇ જેલોમાં રાખવામાં આવ્યા હતા? જેલોમાંથી બહાર નીકળ્યા પછીની તેમની સ્થિતિ શું હતી? આવા ઉત્કંઠા જગાવતા અનેક સવાલોના જવાબો આ પુસ્તકમાં સમાવાયા છે

રાજકોટ તા. ૨૫ : શું આંતરિક કટોકટી દરમિયાન દેશભરમાં સારી સારવારના અભાવે જેલોમાં ૧૦૩ અટકાયતીઓના મોત નિપજયાં હતાં? ગુજરાતમાં ૫૩૨ અટકાયતીઓને કઇ જેલોમાં રાખવામાં આવ્યા હતા? જેલોમાંથી બહાર નીકળ્યા પછી ત્રણ મુખ્યમંત્રી, એક રાજયપાલ, દસ સાંસદ અને કેટલા કેન્દ્રીય મંત્રી બન્યા હતા? તાજેતરમાં વિમાની દુર્દ્યટનામાં મૃત્યુ પામનાર વિજય રૂપાણી સૌથી નાની વયના અટકાયતી હતા અને વડોદરા જેલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા લગાવતા હતા? સરદાર વલ્લભભાઈના પુત્રી મણીબહેને પણ સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું? શું ભૂગર્ભવાસી નરેન્દ્ર મોદી વેશપલટો કરીને ભાવનગર જેલમાં મુલાકાતે આવ્યા હતા? આ અને આવી રસપ્રદ માહિતીની સાથે ખ્યાત સાહિત્યકાર, પત્રકાર અને ઇતિહાસ સંશોધક, સાધના સાપ્તાહિકના તે સમયના તંત્રી અને ખુદ મિસાવાસી વિષ્ણુ પંડયાએ આ પુસ્તક લખ્યું છે. તેમણે સત્યાગ્રહ, ભૂગર્ભ પત્રિકાઓ, વિદેશોમાં કટોકટીની સામે જનમત, ભારતીય અદાલતોના અજવાળા-અંધારા, સાહિત્યકારોનો અને પત્રકારોનો સંઘર્ષ, વિપક્ષી એકતા માટેના જેલ અને જેલ બહાર પ્રયાસો, પત્રો, કવિતાઓ, અહેવાલો વગેરે વિપુલ સામગ્રી આ પુસ્તકમાં આલેખી છે. કટોકટીની અર્ધ શતાબ્દીએ ગુજરાતી ભાષામાં આ પુસ્તક પ્રકાશિત થયું છે. અમદાવાદમાં કાલે ૨૬ જૂન, ૨૦૨૫ના સાંજે સ્પોર્ટ્સ ક્લબ, સરદાર સ્ટેડિયમ ખાતે આ લોકાર્પણ થશે જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા વિશેષ રીતે ઉપસ્થિત રહેશે. આ પ્રકાશન આર. આર. શેઠ દ્વારા કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં તેની હિન્દી આવૃત્તિ પ્રકટ થાય તેવી પૂર્ણ તૈયારીઓ છે. આ નવસર્જન માટે શ્રી વિષ્ણુ પંડયા (મો.૯૮૨૪૫ ૪૬૪૩૮)ને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
