તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
કરજણ ડેમમાં આજે પાણીની આવક 39.844 ક્યુસેક થતા ડેમમાંથી ૧૧, ૮૫૭ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું: નાંદોદ તાલુકાના પાંચ ગામો ને સાવધ રહેવા અપીલ
ચોમાસા દરમિયાન ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના ૩ દરવાજા ૧.૮૦ મીટર ખુલ્લા કરીને કરજણ નદીમાં પાણી છોડવામાં આવ્યું

( ભરત શાહ દ્વારા), નર્મદા: નર્મદા જિલ્લામાં વરસેલા વરસાદ અને ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવક વધતાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પુર્ણ સપાટી ૧૧૫.૨૫ મીટર હોય ચોમાસા માં નિયત કરાયેલા રૂલ લેવલને જાળવવાના હેતુસર આજે તા.૨૪મી જુન ને મંગળવારના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાની પરિસ્થિતિએ આ ડેમની સપાટી ૧૦૩.૫૪ મીટર પહોંચી હતી. ડેમની સપાટીને ૧૦૩.૨૩ મીટર રૂલ લેવલ જાળવવા માટે આજે મંગળવારના રોજ બપોરે ૧:૧૦ વાગે આ ડેમના ત્રણ દરવાજાને ૧.૮૦ મીટર ખોલીને કરજણ નદીમાં અંદાજિત ૧૧, ૮૫૭ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન ડેમનું રૂલ લેવલ જાળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ રૂટિન પ્રક્રિયા છે. કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીનાં કારણે રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર અને ધમણાચા ગામના નાગરિકોને સચેત રહેવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી વખતો વખતની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
ડેમ કંટ્રોલ માંથી જાણવા મળ્યા મુજબ કરજણ ડેમમાં આજે પાણીની આવક 39.844 ક્યુસેક થઈ રહી છે અને હજુ ઉપરવાસ માં સતત વરસાદ રહેશે અને કરજણ ડેમ માં પાણી ની આવક વધશે તો તબક્કાવાર અંદાજિત 45000 ક્યુસેક પાણી છોડવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
