<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

ઝાલોદના મોટીહાંડી ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પુનઃ મતદાન પૂર્ણ

મોટીહાંડીના ધામણખોબરા ગામના મતદાન મથક પર સરપંચ પદના સમર્થકો વચ્ચે ઉગ્ર વિવાદ થતા માથાકુટ અને પથ્થરમારો થયા અબ્દ મતદાન પ્રક્રિયા અટકાવવી પડી હતી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામમાં આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પુનઃ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાઈ રહી છે. ગત તારીખ 22 જૂનના રોજ યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન દરમિયાન મોટીહાંડીના ધામણખોબરા ગામના મતદાન મથક પર સરપંચ પદના સમર્થકો વચ્ચે ઉગ્ર વિવાદ થતા માથાકુટ અને પથ્થરમારો થયો હતો. જેના કારણે મતદાન પ્રક્રિયા અટકાવવી પડી હતી અને ચૂંટણી રદ કરવામાં આવી હતી.

આજના દિવસે મોટીહાંડી ગામમાં શાંત અને વ્યવસ્થિત રીતે ગ્રામપંચાયતની ચૂંટણી માટેની ફરીથી મતદાન પ્રક્રિયા શરૂ કરાઈ છે. તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેથી કોઈ પણ જાતની અશાંતિ ન થાય અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મોટીહાંડીના ધામણખોબરા ગામના બુથ નંબર-2 પર કુલ 1144 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે. ગામમાં ત્રણ સરપંચ પદ અને છ સભ્યપદ માટે પુનઃ ચૂંટણી યોજાઈ રહી છે.

હવામાન વિરોધી હોવા છતાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સતત વરસતા વરસાદ બાદ પણ ગ્રામજનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં મતદાન મથક પર પહોંચી રહ્યાં છે. તંત્ર અને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. સ્થાનિક તંત્રની કડક તૈયારીઓ વચ્ચે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરેક સ્તરે ચાંપતી નજર રાખવામાં આવી છે.

(8:46 PM IST)