<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

અમદાવાદની ૧૪૮મી જગન્નાથ રથયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ : AI, GPS અને ૨૩,૮૮૪ સુરક્ષા કર્મીઓ સાથે અભેદ્ય સુરક્ષા કવચ!

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોષી અને પોલીસ મહાનિદેશક વિકાસ સહાયની ઉપસ્થિતિ : જર્જરિત ઇમારતો પર ચેતવણી બોર્ડ, કોમી એકતાના અનોખા આયોજનો!

ગાંધીનગર, તારીખ 24 જૂન : અમદાવાદમાં યોજાનારી ૧૪૮મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાને શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પાર પાડવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ છે. આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવ્યો છે, જે રથયાત્રાને વધુ સુરક્ષિત બનાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ રથયાત્રાના કાર્ય આયોજનની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તથા અન્ય વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અભેદ્ય સુરક્ષા અને ટેકનોલોજીનો સમન્વય:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં ૨૧૩ કરતાં વધુ સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મપર્વ છે, અને રાજ્ય સરકાર આ તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે પ્રતિબદ્ધ છે. અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના ૧૬ કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા, સુરક્ષા-સલામતી અને અન્ય વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.
આ વર્ષે રથયાત્રામાં પહેલીવાર આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ (A.I.) નો ઉપયોગ ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે કરવામાં આવશે. A.I.ના આ ઉપયોગથી રથયાત્રા રૂટ પર કોઈ સ્થળે વધુ પડતા લોકો એકઠા થઈ ગયા હોય તો તેનું સરળતાએ વ્યવસ્થાપન થઈ શકશે, ભીડને કાબુમાં રાખી શકાશે અને કોઈ અનિચ્છનીય ઘટના બનતી નિવારી શકાશે. એટલું જ નહીં, જો ક્યાંય કોઈ આગની ઘટના બનશે તો ફાયર બ્રિગેડ અને પોલીસ તત્કાલ બચાવ-રાહત માટે પહોંચી શકે તે માટે ફાયર એલર્ટ પણ અત્યંત ઉપયોગી બનશે.
વિશાળ સુરક્ષા બંદોબસ્ત અને દેખરેખ:
પોલીસ કમિશનરે જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી, SRP, ચેતક કમાન્ડો અને રેપિડ એક્શન ફોર્સની બટાલીયન્સ સહિત કુલ ૨૩,૮૮૪ થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે. રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતોની સુરક્ષા માટે રથયાત્રા સાથે ૪૫૦૦ જેટલા વધુ પોલીસ કર્મીઓ મુવિંગ બંદોબસ્તમાં જોડાવાના છે.
ટ્રાફિકની અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં ૧૦૦૦ જેટલા જવાનો તૈનાત રહેશે, અને ૨૩ જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ટ્રક અને અખાડાના વાહનોનું રિયલ ટાઈમ લોકેશન જાણવા GPS સિસ્ટમનો ઉપયોગ કરાશે.
રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન માટે ૨૨૭ કેમેરા, ૪૧ ડ્રોન, ૨૮૭૨ બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે. આ ઉપરાંત ૨૪૦ ધાબા પોઈન્ટ અને ૨૫ વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે, જેથી ૧૬ કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રાખી શકાશે.
જનતાની સુરક્ષા અને સુવિધા:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૨૦૬ જેટલી જર્જરિત અને ભયજનક ઇમારતો-મકાનો પર પોલીસ દ્વારા ચેતવણી સૂચક બોર્ડ મૂકીને લોકોને ત્યાં ન જાય તે સુનિશ્ચિત કરવાની તાકીદ કરી હતી. આ ઉપરાંત, આવા મકાનો સામે પતરાની આડશો મૂકીને લોકોને ત્યાં જતા અટકાવવા માટેના પગલાં લેવામાં આવ્યા છે. રથયાત્રા દરમિયાન શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર ૧૭ જેટલા જન સહાયતા કેન્દ્રો અને ૪૪ પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ કાર્યરત રહેશે.
કોમી એકતા અને સામાજિક સૌહાર્દ:
આ પરંપરાગત રથયાત્રા કોમી એકતા અને સંવાદિતા તથા સૌહાર્દનો ઉત્સવ બને તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની ૧૭૭, મહોલ્લા સમિતિની ૨૩૫ તેમજ મહિલા સમિતિની ૫૭ બેઠકો, વિવિધ ધર્મગુરુઓ સાથે ૨૧ બેઠકો અને ભગવાનના રથ ખેંચનારા ખલાસી ભાઈઓ, અખાડા સંચાલકો સાથે ૧૦ જેટલી બેઠકો યોજવામાં આવી હતી. આ ઉપરાંત એકતા કપ ક્રિકેટ મેચ, વોલીબોલ ટુર્નામેન્ટ, મહેંદી સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક એકતાની ચેતના જગાવતા આયોજનો પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં જ્યાં જ્યાં રથયાત્રા યોજાય છે ત્યાં બધે જ શાંતિ, સલામતી અને સુલેહના વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પાસેથી જરૂરી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, રથયાત્રાનું આ ઉમંગ પર્વ જન ભાગીદારી, પોલીસ તંત્રની સતર્કતા અને સુરક્ષા પ્રતિબદ્ધતા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે. આ સમીક્ષા બેઠકમાં અધિક પોલીસ મહાનિદેશકો, અધિક પોલીસ કમિશનરો તેમજ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરો અને વરિષ્ઠ સચિવો તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(5:43 PM IST)