<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન 'શાળા પ્રવેશોત્સવ' યોજાશે : મુખ્યમંત્રી સહિત ૪૦૦ ઉચ્ચ અધિકારીઓ - પદાધિકારીઓ જોડાશે -

પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપઆઉટ દરમાં નોંધપાત્ર ઘટાડો : ધોરણ ૧ થી ૫માં ૧.૦૭% અને ધોરણ ૧ થી ૮માં ૨.૪૨% નો નીચો દર : માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે

રાજકોટ, તા. 24 : ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત 'શાળા પ્રવેશોત્સવ' કાર્યક્રમનું ભવ્ય આયોજન આગામી ૨૬ થી ૨૮ જૂન, ૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યની તમામ સરકારી પ્રાથમિક, સરકારી અને અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને રક્ષા શક્તિ સ્કૂલ્સમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાશે.
આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૨૬ જૂનના રોજ મહિસાગર જિલ્લામાં, ૨૭ જૂનના રોજ ગાંધીનગર અને ૨૮ જૂનના રોજ કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે. આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાં સિનિયર મંત્રીઓ સહિત આશરે ૪૦૦ જેટલા ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરશે.
ઋષિકેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના સફળ અમલીકરણના પરિણામે શાળામાં નામાંકિત થયેલા વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ ૨૦૦૧-૦૨માં ધોરણ ૧ થી ૫માં જે ડ્રોપઆઉટ દર ૨૦.૫૦ ટકા હતો અને ધોરણ ૧ થી ૮માં ૩૭.૨૨ ટકા હતો, તે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં અનુક્રમે ધોરણ ૧ થી ૫માં ૧.૦૭ ટકા અને ધોરણ ૧ થી ૮માં ૨.૪૨ ટકા જેટલો નીચો લાવી શકાયો છે. આમ, રાજ્યમાં પ્રવેશોત્સવ કાર્યક્રમના પરિણામે છેલ્લા બે દાયકામાં પ્રાથમિક શિક્ષણમાં નામાંકન દર વધારવા અને ડ્રોપઆઉટ દર ઘટાડવા ક્ષેત્રે ખૂબ સારી સફળતા મળી છે. આ વખતના પ્રવેશોત્સવમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપઆઉટ દર ઘટાડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમ દરમિયાન બાળકોને આંગણવાડી, બાલવાટિકા તથા ગત વર્ષે બાલવાટિકામાં પ્રવેશ ન મેળવેલા બાળકોને ધોરણ ૧માં, તેમજ ધોરણ ૯માં અને ધોરણ ૧૧માં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવવામાં આવશે. પ્રવેશોત્સવ દરમિયાન પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા શાળા મુલાકાતના કાર્યક્રમની વિગતવાર રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી છે.
ઋષિકેશભાઈ પટેલે ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના દરેક દિવસે શાળાઓમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવોને એક પ્રાથમિક અને બે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ફાળવણી કરવામાં આવી છે. જો માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પૂરતી સંખ્યામાં ના હોય, તો તે જ તાલુકાની જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને રક્ષા શક્તિ સ્કૂલ્સની પસંદગી ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ ઉપરાંત, રથયાત્રા અને કચ્છી નૂતનવર્ષના તહેવારને ધ્યાનમાં રાખીને રથયાત્રાના રૂટ હોય તેવા વિસ્તારોમાં અને કચ્છ જિલ્લામાં પ્રવેશોત્સવની ઉજવણી ૨૬ અને ૨૮ જૂનના રોજ કરવામાં આવશે.
વધુમાં, તેમણે જણાવ્યું કે, પ્રાથમિક શિક્ષણક્ષેત્રે વર્ષ ૨૦૧૯-૨૦થી ધોરણ ૧માં અને વર્ષ ૨૦૨૩-૨૪થી બાલવાટિકામાં પ્રવેશપાત્ર પ્રત્યેક બાળકની ઓળખ, ટ્રેકિંગ અને નામાંકન સુનિશ્ચિત કરવા રાજ્યના આરોગ્ય વિભાગના જન્મ તથા રસીકરણના ડેટાને શિક્ષણ વિભાગની ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS) સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યો છે. જેના પરિણામે એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય અને સ્થળાંતરિત થતાં માતા-પિતાના બાળકોના પણ સઘન ટ્રેકિંગ દ્વારા લગભગ ૧૦૦ ટકા નામાંકન શક્ય બન્યું છે. આ પ્રણાલીનો ઉપયોગ કરીને બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા સુનિશ્ચિત કરી રાજ્યના અંદાજે ૮.૭૫ લાખ બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે જેમને શાળા પ્રવેશ કરાવવામાં આવશે. તેવી જ રીતે ધોરણ ૯માં ૧૦.૫૦ લાખ અને ધોરણ ૧૧માં ૪.૫૦ લાખ જેટલા બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવશે.
છેલ્લે, તેમણે ઉમેર્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગથી વિદ્યા સમીક્ષા કેન્દ્રના વિવિધ ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીના સંભવિત ડ્રોપઆઉટ થવાની શક્યતાના કિસ્સામાં તેવા બાળકો અને તેમના વાલીઓને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરીને બાળકના વિકાસ અને પ્રગતિ માટે શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવું કેટલું અગત્યનું છે તેની સમજ પણ આપવામાં આવશે.

 

(7:42 PM IST)