તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
ચોમાસામાં અગમચેતીના ભાગરૂપે ‘મેલેરિયા નિર્મૂલન' માટે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર
પાણી સંગ્રહના પાત્રો હવાચુસ્ત રીતે ઢાંકવા, ઘરની આજુબાજુ પાણી ભરાવા ન દેવું, મચ્છરદાનીનો ઉપયોગ કરવા જેવી વિવિધ સાવચેતી રાખવાથી મેલેરિયા સામે રક્ષણ મેળવી શકાયઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૪: રાજ્યમાં ચોમાસા દરમિયાન ‘મેલેરીયા'ના ફેલાય એ માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકા મુજબ જો શરીરમાં તાવની અસર દેખાય તો લોહીની તપાસ કરાવવી અને તપાસ દરમિયાન મેલેરિયાના લક્ષણો જોવા મળે તો તેની સંપૂર્ણ સારવાર લેવી હિતાવહ છે.
મચ્છરથી બચવા મચ્છર વિરોધી ક્રિમ, કોઈલ અને અગરબત્તીનો ઉપયોગ કરવો. ઘરમાં અને ઘરની આજુબાજુમાં રાખવામાં આવેલા પાણી સંગ્રહના પાત્રોને હવાચુસ્ત ઢાંકણાંથી બંધ રાખવા.
ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દેવો અને ભરાયેલ પાણીને સત્વરે નિકાલ કરવો. પાણીના નાના ખાડા-ખાબોચિયા પૂરી દેવા. કાયમી ભરાઈ રહેતા પાણીના તળાવોમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ અવશ્ય મુકાવડાવવી.
ઉપરાંત ઘરના બારી-બારણા ખાસ કરીને સવારે તથા સાંજે બંધ રાખવા અને તેમાં મચ્છરજાળી લગાડવી. સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો હિતાવહ છે.
ઉપરોક્ત સાવચેતી રાખવાથી મેલેરીયા રોગથી બચી શકાય છે.
મેલેરિયા કેવી રીતે ફેલાય છે ?
(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૪: મેલેરીયા રોગ કેવી રીતે ફેલાય છે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે મેલેરિયા એ ચોખ્ખા અને બંધિયાર પાણીમાં પેદા થતાં માદા એનોફિલીસ નામના મચ્છર દ્વારા એક વ્યકિતમાંથી બીજી વ્યકિતમાં ફેલાતો અને પ્લાસમોડીયમ નામના પરોપજીવી જંતુથી થતો રોગ છે.
માદા એનોફિલીસ મચ્છર મેલેરિયાના દર્દીને કરડે ત્યારે પરોપજીવી જંતુને લોહી સાથે ચૂસી લે છે અને ત્યારબાદ આ મચ્છર તંદુરસ્ત વ્યકિતને કરડે ત્યારે તેને મેલેરિયાનો ચેપ લાગે છે.
ઉલ્લેખનીય છે કે, મેલેરિયાના રોગને જાગળતતા થકી અટકાવી શકાય છે. ‘મેલેરિયા સામેની લડતને વેગ આપી, આરોગ્યમય વિશ્વનું નિર્માણ કરીએ'ના સૂત્ર સાથે ‘મેલેરિયા નિર્મૂલન' માટે રાજ્યના નાગરિકોને માર્ગદર્શિકા અનુસરવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
