<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

સુરતમા સાડા પાંચ ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા : શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી

રોડ પર જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા : સુરતના કતારગામ ધનમોરા ચાર રસ્તા, જહાંગીરપુરા ડીમાર્ટ પાસે તેમજ ડભોલી અને સરથાણા વિસ્તારમાં પણ પાણી ભરાયા

સુરત તા.૨૩ : સુરત શહેરમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. જેને કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો બીજી તરફ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો

શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં વિસ્તાર પ્રમાણે જોવામાં આવે તો, સુરત શહેરમાં 5.67 ઇંચ, કામરેજમાં 1.81 ઇંચ, માંડવીમાં 0.98 ઇંચ, બારડોલીમાં 0.47 ઇંચ, માંગરોલમાં 0.2 ઇંચ, ચૌરાશીમાં 0.35 ઇંચ, ઉંમરપાડામાં 0.16 ઇંચ, ઓલપાડમાં 0.31 ઇંચ અને મહુવામાં 0.08 ઇંચ વરસાદ નોંધાયો છે.

સુરતમાં વહેલી સવારથી અવિરત વરસાદી માહોલ

રાજ્યમાં ચોમાસાની વિધિવત શરુઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરત શહેરમાં ગત રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આજે પણ વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં સવારના 11 વાગ્યા સુધીમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. વરસાદને લઈને સુરત શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેને લઈને લોકો ને હાલાકી પડી છે. બીજી તરફ રોડ પર જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે બીજી તરફ સુરત શહેરમાં શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે.

શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી

સુરત શહેરમાં સવારથી જ અવિરત વરસાદને લઈને કલેકટરની સુચનાથી શાળાઓમાં સવારની પાળીમાં બાળકોને રજા આપી અને ઘરે ઝડપથી પહોચે તે રીતે વ્યવસ્થા કરવા સુચના આપી હતી તથા બપોર પાળીમાં રજા જાહેર કરવામાં આવી છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

શહેરમાં અવિરત વરસાદને લઈને શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં વેડરોડ ગુરુકુળ પાસે પાણી ભરાયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી હતી, બીજી તરફ સુરતના સીતાનગર અર્ચના સ્કુલ પાસે પાણી ભરાઈ ગયા હતા અહી રોડ પર પાણી ભરાઈ ગયા હતા. રોડ પર જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા જેને લઈને વાહન ચાલકોને હાલાકી પડી હતી. આ ઉપરાંત સુરતના કતારગામ ધનમોરા ચાર રસ્તા, જહાંગીરપુરા ડીમાર્ટ પાસે તેમજ ડભોલી અને સરથાણા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

સુરતના ગઇકાલના વરસાદના આંકડા જુઓ

તારીખ 22 જૂનના રોજ સુરત જિલ્લાના 8 તાલુકામાં હળવાથી લઇને અતિ ભારે વરસાદ નોંધાયો હતો. ચાલો જાણીએ ક્યા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો છે.

    પાલસણા 141 મીમી

    ઉંમરપાડા 114 મીમી

    કામરેજ 94 મીમી

    સુરત શહેર 79 મીમી

    બારડોલી 70 મીમી

    માંડવી 51 મીમી

    મહુવા 37 મીમી

    ચૌરાસી 17 મીમી

(9:09 PM IST)