<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

અમદાવાદમાં અષાઢી બીજના જગન્નાથજીની 148મી રથયાત્રા માટે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના વાઘા ખાસ બનારસી સિલ્ક, વેલ્વેટ-ગજી સિલ્ક જેવા કપડાંમાંથી તૈયાર કરાયા

રથયાત્રાના બીજા દિવસે ભગવાનને જાંબલી રંગના સિલ્કના, રેશમ અને કસબ વર્કથી તૈયાર કરાયેલા હલકાં વજનવાળા વાઘા પહેરાવવામાં આવશે : ભગવાનના વાઘા ઈન્દ્રવદન ખલાસ દ્વારા તૈયાર કરાવવામાં આવ્યા

અમદાવાદ તા.૨૩ : આગામી 27 જૂને અમદાવાદમાં 148મી રથયાત્રા નીકળશે. આ માટે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના વાઘાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ વર્ષના વાઘા ખાસ બનારસી સિલ્ક, વેલ્વેટ-ગજી સિલ્ક જેવા કપડાંમાંથી તૈયાર કરાયા છે. મહત્ત્વનું છે કે, દરેક વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્વાજી અને ભાઈ બળભદ્રજીને વિભિન્ન પ્રકારના વસ્ત્રો ભગવાનને પહેરાવાય છે.

મહત્ત્વનું છે કે, આ વખતે ત્રણ વાઘા બનાવવામાં આવ્યા છે. આ વાઘાની ખાસિયત એ છે કે તેનું કાપડ વૃંદાવનથી લાવવામાં આવ્યું છે અને તેને તૈયાર કરવાનું કામ કેરળના કુશળ કારીગરોએ કર્યું છે. અષાઢી બીજના દિવસે ભગવાન જરી અને કસબના મોરની ડિઝાઇનવાળા વાઘા સાથે પિતામ્બર અને ઝરકસી ગોટાપત્તીવાળા શણગારમાં નગરચર્યાએ નીકળશે.

આ પછી અષાઢ સુદ ત્રીજ એટલે કે રથયાત્રાના બીજા દિવસે ભગવાનને જાંબલી રંગના સિલ્કના, રેશમ અને કસબ વર્કથી તૈયાર કરાયેલા હલકાં વજનવાળા વાઘા પહેરાવવામાં આવશે. આ વર્ષે ભગવાનના વાઘા ઈન્દ્રવદન ખલાસ દ્વારા તૈયાર કરાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે તેમને આ યજમાની 10 વર્ષ બાદ ફરીથી મળેલી છે.

(4:35 PM IST)