News of Monday, 23rd June 2025
ભાજપ માટે લાલબતીઃ ‘આપ' માટે લીલીબતીઃ કોંગી માટે અધોગતિ
બે પેટા ચૂંટણીના પરિણામથી ગુજરાતમાં નવો રાજકીય અધ્યાયઃ સમીકરણોમાં ધરખમ ફેરફાર કડીમાં ભાજપની પ્રચંડ જીતનો આનંદ વિસાવદરમાં જોરદાર ફટકાથી ઓસર્યોઃ હવે પાલિકા-પંચાયતોની ચૂંટણી તરફ નજર

રાજકોટ તા. ર૩: ગુજરાત વિધાનસભાની બે બેઠકો કડી (મહેસાણા) અને વિસાવદર (જુનાગઢ)ની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. ગોપાલ ઇટાલિયાના ૧૭પ૦૦ જેટલા મતથી વિજયથી આમ આદમી પાર્ટીએ બેઠક જાળવી રાખી છે. કડીમાં ૩૯ હજાર જેવી ધરખમ સરસાઇ સાથે ભાજપે બેઠક જાળવી છે. સમગ્ર રાજયનું ધ્યાન ખેંચનારી વિસાવદર બેઠકમાં કોંગ્રેસ ડીપોઝીટ પણ બચાવી શકી નથી. આ પરિણામ ભાજપ માટે લાલબતી સમાન અને આમ આદમી પાર્ટી માટે રાજયમાં આગળ વધવાના સંકેતરૂપ લીલીબતી સમાન ગણાય છે. કોંગ્રેસની અધોગતિ યથાવત રહી છે.
વિસાવદરના પરિણામે સ્પષ્ટ કર્યું છે કે લોકો ભાજપના નામે હંમેશા મત આપી દયે તેવું માનવું નહિં. સરકાર અને સંગઠનના ટોચના નેતાઓની જહેમત છતાં પરિણામમાં જોરદાર ફટકો લાગ્યો છે. સી.આર. પટેલના કાર્યકાળની (પ્રમુખ તરીકે) આ સંભવત છેલ્લી પેટાચૂંટણી હતી આ પરિણામ આમ આદમી પાર્ટીને રાજયવ્યાપી છવાઇ જવાની તક આપનારૂં બની રહે તો નવાઇ નહિં. ગોપાલ ઇટાલિયા નામે રાજયની રાજનીતિમાં નવા પાટીદાર નેતૃત્વનો ઉદય થયો છે. વિસાવદરમાં ભાજપે ઉમેદવાર પસંદગીમાં જબરી થાપ ખાધાનું ભાજપના વર્તુળોનું કહેવું છે સ્થાનિક મોટાભાગના અગ્રણીઓની ઇચ્છા વિરૂધ્ધના ઉમેદવાર આવતા ભાજપે ઘણું સહન કરવું પડયું છે.
ગુજરાતમાં કોંગ્રેસની હાલત સુધારવાના રાહુલ ગાંધીના તનતોડ પ્રયાસો પછી પણ પેટા ચૂંટણીમાં પરિણામ નિરાશાજનક મળ્યું છે. બેમાંથી એકેય બેઠક પર કોંગ્રેસ સન્માનજનક પરાજય પણ મેળવી શકી નથી. વિસાવદરથી સર્જાયેલ માહોલનો આમ આદમી પાર્ટી અન્ય વિસ્તારોમાં કેટલો લાભ લઇ શકે છે તે મહત્વનું છે. ‘આપ' અને કોંગ્રેસ વચ્ચે કેવા સબંધ રહે છે તે પણ ધ્યાન ખેંચનારૂં બનશે.
ભાજપ માટે વિસાવદરનું પરિણામ ચોંકાવનારૂં છે. ઉમેદવાર સામેની નારાજગી, ખેડૂતોના પ્રશ્નો, સરકાર સામેનો કચવાટ, મોટા ભાગના કાર્યકરોનો પૂરતા ઉત્સાહનો અભાવ વગેરે મુદ્દા ભાજપની વિરૂધ્ધમાં ગયા છે. વિસાવદર મતક્ષેત્રના મતદારોએ આગવા મિજાજની મતદાન કરવાની પરંપરા જાળવી છે.
રાજયમાં ૭ મહિના પછી તાલુકા-જિલ્લા પંચાયતો અને ૧પ મહાનગરોની ચૂંટણી આવી રહી છે. ભાજપે તે પહેલા નકકર પગલા ભરવા જરૂરી છે. નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક હવે ઝડપથી થાય તેવા સંકેત છે. રાજયમાં આવતા દિવસોમાં ખાસ કરીને ભાજપને સ્પર્શતા નવા સમીકરણો બનશે. આજથી ગુજરાતમાં નવો રાજકીય અધ્યાય શરૂ થયો છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
