તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
વાઘોડિયા બ્રિજ નજીક મોપેડ સવાર દંપતીને ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળ પર કમકમાટીભર્યું મોત
માતેલા સાંઢની માફક પૂર ઝડપે દોડી આવેલ ટ્રકે અડફેટે લેતા મોપેડ પર સવાર દંપતી હવામાં ફંગોળાઈને નીચે પટકાયું

વડોદરા શહેરના ડભોઇ-વાઘોડિયા રીંગરોડ પર આવેલા વાઘોડિયા બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં મોપેડ સવાર દંપતીને માતેલા સાંઢની માફક પૂર ઝડપે દોડી આવેલ ટ્રકે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
ડભોઇ-વાઘોડિયા રીંગરોડ પર આવેલા આદિત્ય ઓરબિટમાં રહેતા અને એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતાં 36 વર્ષીય લલિતભાઈ ભાંગલે તેમના શિક્ષિકા પત્ની રાજુલાબેન સાથે મોપેડ પર વાઘોડિયા બ્રિજ પાસેથી સુરતથી અમદાવાદ તરફ જતા હાઈવે પરથી પસાર થઇ રહ્યાં હતા.
આ સમયે પુરપાટ ગતિએ ધસી આવેલા ટ્રકે દંપતીના મોપેડને ટક્કર મારી હતી. જેના પગલે મોપેડ પર સવાર દંપતી હવામાં ફંગોળાઈને નીચે પટકાયું હતુ. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત દંપતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.
આ સમગ્ર મામલે કપુરાઈ પોલીસ મથકના તપાસ અધિકારી કે.ડી. પરમારે જણાવ્યું કે, મૃતક લલિતભાઈ એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતાં હતાં અને તેઓ તેમની પત્ની રાજુલાબેનને મૂકવા જઈ રહ્યાં હતા, જે એક શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર પોતાનો ટ્રક લઇને ફરાર થઈ ગયો છે. હાલ કપુરાઈ પોલીસે સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે અને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
