તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Saturday, 21st June 2025
વડોદરામાં પાડોશી યુવકે રૂ. 20 લાખ આપવાનું કહી મહિલાના દાગીના પડાવ્યા: ધમકી આપી
ગઠિયાએ દાગીના છોડાવવા માટે ભોગ બનનાર મહિલા પાસેથી બીજા રૂ. 1.06 લાખ પડાવી લીધા :ઠગે આપેલો ચેક બેંકમાં ડિપોઝીટ કરતાં બાઉન્સ થયો

વડોદરાના હરીનગર રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા મહિલાએ પોતાના મિત્રને રૂપિયા અપાવવા માટે પાડોશીના પુત્રને પોતાના સોનાના દાગીના આપ્યા હતા. આ યુવકે ઘરેણા પર 20 લાખ રૂપિયા અપાવવાનું કહ્યું હતું અને ચેક પણ આપ્યો હતો. જે ચેક મહિલાના મિત્રએ બેંકમાં ડિપોઝિટ કરાવતા બાઉન્સ થયો હતો. જેથી મહિલાએ રૂપિયા અને દાગીના પરત આપવા વારંવાર માંગણી કરવા છતાં આરોપી ગલ્લા કરતો હતો. જે બાદ દાગીના છોડાવવાના રૂપિયા 1.06 લાખ પણ મહિલા પાસેથી પડાવી લીધા હતા. રૂપિયા અને દાગીના પરત નહીં આપતા મહિલાએ યુવક વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
શહેરના હરિનગર રોડ પર આવેલી આકાશ ગંગા ઓઢવપુરા આઈનોક્સ પાછળ રહેતા સોનિયા કિશોરભાઈ ભાગચંદાણીના પતિ પ્રાઇવેટ યુનિવર્સિટી ખાતે નોકરી કરે છે. જ્યારે તેમના બાજુમાં રહેતા પાડોશી નિલા બ્રહ્મભટ્ટ અવાર નવાર તેમના ઘરે બેસવા માટે આવતા હોય તેઓની સાથે ઓળખાણ થઈ હતી. નિલા બ્રહ્મભટ્ટ તેઓના દિકરા હર્ષદ બ્રહ્મભટ્ટ વિશે અવાર નવાર વાતચીત કરતા હતા.
પાડોશી નિલા બ્રહ્મભટ્ટનો દીકરા પ્રોપર્ટી તથા જીએસટીનું કામ કરતો હોવાથી સોનિયાબેને તેમના મિત્ર જૈનિશ માટે રૂ. 20 લાખની એક માસ માટે જરૂરીયાત હોય અને તેમની પાસે આટલી મોટી રકમ ન હોય તેમજ સોનિયાબેન ને તેમના માતા પિતા અને પતિ પાસે રૂપિયા માંગતા ખચકાટ થતો હોય સોનિયાબેને નિલા બ્રહ્મભટ્ટને કહેતા તેમણે તેમના દિકરા હર્ષદ બ્રહ્મભટ્ટને વાત કર તેમ કહી તેમના દિકરાનો મોબાઈલ નંબર આપ્યો હતો.
સોનિયાબેને પાડોશી હર્ષદ સાથે વાત કરી તેમના મિત્ર જેનીશને રૂ.20 લાખની જરૂર છે તેમ જણાવ્યુ હતું. જેથી હર્ષદે સોનાના ઘરેણા આપો તો હું તમને એક માસ માટે રૂ. 20 લાખની વ્યવસ્થા કરી આપુ તેમ જણાવતા સોનિયાબેને હર્ષદ પર વિશ્વાસ કરી તેમના સોનાના ઘરેણા ગીરવે મૂક્વા માટે હર્ષદ બ્રહ્મભટ્ટને ગત માર્ચ મહીનામા ઓઢવપુરા માતાના મંદિર પાસે આપ્યા હતા.
સોનાના દાગીના લઈને ગયા બાદ હર્ષદે સોનિયાબેનના મિત્ર જૈનીશને રૂ.20 લાખનોનો ચેક આપ્યો હતો, પરંતુ તે ચેક બાઉન્સ થયો હતો. અને હર્ષદ પાસે નાણાની માંગણી કરતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જેથી સોનિયા બેને તેમના સોનાના ઘરેણા હર્ષદ પાસેથી પરત માંગતા સોનાના ઘરેણા છોડાવવા હર્ષદે નાણાની માંગણી કરી હતી. જેથી સોનિયાબેને ગત માર્ચથી મે સુધી ઓનલાઇન તથા રોકડા મળી રૂ. 1.06 લાખ ઘરેણા છોડાવવા હર્ષદને આપ્યા હતા છતા હર્ષદ ઘરેણા પરત આપ્યા ના હતા.
ઠગ હર્ષદ બ્રહ્મભટ્ટે વિશ્વાસ અને ભરોસો કેળવી સોના ના દાગીના પડાવી લીધા બાદ સોનિયા બેને વારંવાર દાગીના પરત માંગતા ઠગ હર્ષદે ધમકી આપી હતી કે, પોલીસ કેસ કરશો તો પોલીસ પણ મારૂ કશું બગાડી શકશે નહીં. જેથી સોનિયાબેને તેમના મિત્રને મદદ કરવા નાણા અપાવવાના બહાને તેમના ઘરેણા ગીરવી મુકાવી તેમજ સોનાના ઘરેણા છોડાવવા આપેલા રૂ.1.06 લાખ પડાવી લીધા બાદ પણ સોનાના ઘરેણા પરત નહીં આપી ઠગાઈ આચરનાર ઠગ હર્ષદ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
