<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

પેટા ચૂંટણીના પરિણામ બાદ રાજકારણમાં ધરખમ ફેરફારના એંધાણ

દિવાળી પહેલા ગુજરાત સરકારના મંત્રીમંડળનુ વિસ્‍તરણ થવાની પ્રબળ શકયતાઓ

અમદાવાદ, તા.૨૧: કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણી પર મત ગણતરી ૨૩ જૂને હાથ ધરાશે, આ પેટા ચૂંટણીનું પરિણામ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવનારું બની શકે છે. દિવાળી પહેલા ગુજરાત સરકારના મંત્રીમંડળનુ વિસ્‍તરણ થવાની પ્રબળ શકયતાઓ જોવાઇ રહી છે.

આમ તો ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્‍તરણની ચર્ચા છેલ્લા એક વર્ષથી ચાલતી આવી છે. પરંતુ હવે જે લેટેસ્‍ટ વાત સામે આવી છે તે મુજબ, દિવાળી પહેલા મંત્રીમંડળનુ વિસ્‍તરણ થઈ શકે છે.. એટલું જ નહીં મંત્રીમંડળમાં કેટલાક ધરખમ ફેરફારો થવાની પણ પૂરી સંભાવનાઓ જોવાઈ રહી છે. વિસાવદર અને કડી વિધાનસભાની યોજાયેલી પેટા ચૂંટણીના ૨૩મીએ જાહેર થનારા પરિણામ ઉપર આખા ગુજરાતની નજર મંડાયેલી છે અને આ રીઝલ્‍ટથી કેટલાક મોટા નેતાઓનુ ભવિષ્‍ય સુધરશે અથવા તો તેઓ સાઈડલાઈન થઈ જશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.

દિવાળી પહેલા મંત્રીમંડળના વિસ્‍તરણની સંભાવના : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતની તૈયારી ચાલતી હતી ત્‍યારે જ પ્‍લેનક્રેશની દૂર્ઘટના સર્જાઈ હતી. પૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતા ગળહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે પી નડ્ડાએ તાજેતરમાં ગુજરાતની બે વખત મુલાકાત લીધી છે.. સૂત્રો જણાવે છે કે, આ નેતાઓએ તેમની મુલાકાત દરમિયાન નવા પ્રમુખના મુદ્દે સેન્‍સ લઈ લીધી છે. તેમજ દિવાળી પહેલા મંત્રીમંડળનુ વિસ્‍તરણ થશે એ પ્રકારનો ઈશારો પણ આપી દીધો છે.

નવા મંત્રીમંડળમાં બચુ ખાબડની હકાલપટ્ટી નિશ્‍ચિત માનવામાં આવી રહી છે. રાજ્‍યકક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્રો પર મનરેગાના કામમા કરોડો રૂપિયાનુ કૌભાંડ આચરવાનો આરોપ છે. અને તેમની ધરપકડ પણ કરવામાં આવેલી છે.. ઉપરાંત એવા કેટલાક મંત્રીઓ છે કે જેઓ પોતાની જવાબદારી યોગ્‍ય રીતે નિભાવી શકવામાં સક્ષમ નથી. તેમનુ પરફોર્મન્‍સ ખુબ જ નબળુ છે તેઓ નવા મંત્રીમંડળમાંથી બાકાત હોઇ શકે છે આ ઉપરાંત પણ બેથી ત્રણ મંત્રીઓને પડતા મુકાય તેવી સંભાવના છે. ૨૩મીએ વિસાવદર અને કડીની ચૂંટણીના પરિણામો પર ચોક્કસ નેતાઓનુ ભાવિ નક્કી થશે. જો અને તોની સ્‍થિતિમાં આવા નેતાઓને મોટું પદ મળી શકે છે અથવા તો હાલની જે પોઝિશન છે તેમાંથી હટાવીને સાવ સાઈડ લાઈન પણ કરાઇ શકે છે

(3:42 PM IST)