તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
નસવાડીના ખેંદા ગામમાંથી સગર્ભાને ઝોળીમાં નાંખીને હોસ્પિટલ લઈ જવાઇ
છોટા ઉદેપુરમાં ફરી સામે આવ્યો 'ઝોળીદાર વિકાસઃકાચા રસ્તાના કારણે ૧૦૮ ગામ સુધી પહોંચી ન શકતા સગર્ભાને પાકા રસ્તા સુધી ઝોળીમાં લઈ જવી પડી હતી

છોટા ઉદેપુર,તા.૨૦
વિકસિત ગુજરાતના છોટા ઉદેપુરનો ફરી એકવાર ઝોળીદાર વિકાસ સામે આવ્યો છે. નસવાડીના ખેંદા ગામમાંથી સગર્ભાને ઝોળીમાં નાંખીને હોસ્પિટલ લઈ જવાનો વીડિયો સામે આવ્યો છે.
કાચા રસ્તાના કારણે ૧૦૮ ગામ સુધી પહોંચી ન શકતા સગર્ભાને પાકા રસ્તા સુધી ઝોળીમાં લઈ જવી પડી હતી. નોંધનીય છે કે, છોટા ઉદેપુરથી અવાર-નવાર આવી ઘટનાનો વીડિયો સામે આવતો રહે છે. તેમ છતાં તંત્ર દ્વારા રસ્તા બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં નથી આવતી. જાણે સરકારને આ લોકોથી કોઈ ફરક જ નથી પડતો.
છોટા ઉદેપુરમાંથી અવાર-નવાર લોકોને ઝોળીમાં નાંખીને હોસ્પિટલ લઈ જવાના દ્રશ્યો સામે આવતા હોય છે. શુક્રવારે (૨૦ જૂન) ફરી આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં નસવાડીના ખેંદા ગામમાં એક સગર્ભા મહિલાને ગામમાં પાકો રસ્તો ન હોવાથી ઝોળીમાં નાંખીને ખાનગી જીપમાં મુખ્ય રસ્તાએ ઊભેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી અને ત્યારબાદ તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ અગાઉ કલેક્ટર અને TDO પણ કાચો રસ્તો હોવાના કારણે અહીં ફસાઈ ચુક્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા અહીં પાકો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં નથી આવતી. દર વખતે જીવના જોખમે આ પ્રકારે સગર્ભા અને દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. જેમાં અનેકવાર દર્દી વિલંબના કારણે પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ઓક્ટોબર ૨૦૨૪માં છોટા ઉદેપુરના તુરખેડામાં બનેલી ઘટનામાં પ્રસૂતાને આ રીતે ઝોળીમાં લઈ જવાના કારણે જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટે રોડ બનાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી અનેકવાર આવી રીતે ઝોળીમાં હોસ્પિટલ લઈ જવાની ઘટના સામે આવી છતાં કોઈ કામગીરી હાથ ધરાઈ નથી. જેને જોઈને એવું લાગી રહ્યું છે કે, તંત્ર હાઇકોર્ટના આદેશને પણ ગણકારી નથી રહ્યું અને છેવાડાના ગામડાઓને પોતાના હાલ પર જીવવા મજૂબર કરી દેવાયા છે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
