તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
સુરતના સરસાણા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં SGCCI દ્વારા ‘ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્રે મહિલાઓના વિશેષ યોગદાન’ વિષય પર સંવાદસત્ર યોજાયું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું -શહેરોની સાથે છેવાડાના ગામડાની મહિલાઓને સમાન તક આપતી લખપતિ દીદી યોજનાથી સ્ત્રીઓ આત્મનિર્ભર બની: સ્ત્રીઓમાં વધતું સાક્ષરતાનું પ્રમાણ પરિવાર, સમાજ, ગામ અને દેશને ઝડપથી વિકસિત બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે: પશ્ચિમી સંસ્કૃતિને બદલે આપણા સાંસ્કૃતિક મૂલ્યોને વળગી રહી મહિલાઓને આગળ વધવાનો અનુરોધ કરતાં રાજ્યપાલ

અમદાવાદ :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણાના કન્વેન્શન હૉલ ખાતે ‘વ્યાવસાયિક અને સામાજિક ક્ષેત્રે મહિલાઓના વિશેષ યોગદાન’ વિષય પર પ્રેરણાત્મક સંવાદસત્ર યોજાયું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા યુગ સાથે સમાજમાં મહિલાઓની ભૂમિકાની વિશદ છણાવટ કરી ભારતને વિકસિત અને વિશ્વગુરુ બનાવવામાં મહિલાઓના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. રાજ્યપાલએ ભારતની પ્રાચીન સભ્યતાનો સંદર્ભમાં આપતાં જણાવ્યું કે, પ્રાચીનકાળમાં મહિલાઓને વિશેષ માન-સમ્માન અને સમાન હકો-દરજ્જો મળતા હતા. મધ્યકાળમાં મહિલાઓની દયનીય સ્થિતિ બની હતી અને હવે બદલાતા સમય સાથે ફરી એક વખત મહિલાઓ શિક્ષણ, વ્યવસાય કે સામાજિક દરેક ક્ષેત્રે આગેકૂચ કરી રહી છે. અનેકવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પુરૂષોની બરોબરી કરી વધુ ધૈર્યવાન, પરોપકારી, પરિશ્રમી, નિર્લોભી અને તર્કવાન હોવાની સાબિતી આપી રહી છે.
રાજ્યપાલએ મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપતા વડાપ્રધાન મોદી દ્વારા મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે કરવામાં આવી રહેલા અનેક પ્રયાસોની સરાહના કરી કહ્યું કે શહેરોની સાથે છેવાડાના ગામડાની મહિલાઓને સમાન તક આપતી લખપતિ દીદી યોજનાથી સ્ત્રીઓ આત્મનિર્ભર બની છે. પુરુષ સમોવડી આજની મહિલા પરિવારને આર્થિક ટેકો આપવા સક્ષમ બની છે. બાળકોને ઉચ્ચ સંસ્કારની સાથે ઉચ્ચ શિક્ષણ આપતી આધુનિક સ્ત્રી ભારતના મજબૂત ભાવિ નિર્માણમાં અગત્યનો ફાળો આપી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
એક સમયે ‘સોને કી ચિડિયા’ ગણાતા ભારત દેશના મૂળ કુટિર ઉદ્યોગો સાથે પ્રાચીન કાળથી જોડાયેલા હોવાનું જણાવી દેશના વિકાસમાં નાના અને મધ્યમ ઉદ્યોગોનો ફાળો અને તેમાં મહિલાઓની ઉત્તમ ભૂમિકા વર્ણવી તેમણે ઉમેર્યું કે, કોઈ પણ દેશના વિકાસમાં લઘુ ઉદ્યોગોનું યોગદાન ખૂબ મોટું હોય છે. તેમણે મહિલાઓને પોતાની કળા-કુશળતા ઓળખી તેને વ્યવસાયમાં, આર્થિક ઉપાર્જનમાં ઉપયોગમાં લેવા જણાવ્યું હતું.
રાજ્યપાલએ કહ્યું કે, સ્ત્રીઓ દરેક જવાબદારીમાં નિપુણ પુરવાર થઈ છે. સ્ત્રીઓમાં વધતું સાક્ષરતાનું પ્રમાણ પરિવાર, સમાજ, ગામ અને દેશને ઝડપથી વિકસિત બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. તેમણે મહિલાઓને પરસ્પર મદદરૂપ બની સહિયારા વિકાસને પ્રાધાન્ય આપવાનું સૂચન કર્યું હતું.
દરેક દેશનો સંપૂર્ણ વિકાસ સ્થાનિક નાગરિકોની એકતા અને સામૂહિક પ્રયત્નોને આધિન હોય છે. તેથી મહિલાઓને એકજૂથ થઈને સફળતાના નવા આયામો સર કરવા તેમણે જણાવ્યું હતું. પશ્ચિમી સંસ્કૃતિને બદલે આપણા સાંસ્કૃતિક મૂલ્યોને વળગી રહી મહિલાઓને આગળ વધવા સૂચન કર્યું હતું. જેથી આવનારી પેઢી પણ ભારતીય સંસ્કાર અને પરંપરા, ભારતીય સંસ્કૃતિનું સન્માન જાળવી શકે.
આ પ્રસંગે રાજ્યપાલએ મહિલા ઉદ્યોગસાહસિકો સાથે સંવાદ કરી તેઓને દરેક ક્ષેત્રે મક્કમ મનોબળથી આગળ વધવા અને અન્યો માટે પ્રેરણારૂપ બનવા પ્રોત્સાહન આપ્યું હતું. સાથે જ સ્ત્રીઓને સ્વસ્થ સમાજનો સ્તંભ ગણાવી પોતાના પરિવાર તેમજ બાળકો માટે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું.
દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, મહિલા નેતૃત્વ સામાજિક, આર્થિક અને રાષ્ટ્રસ્તરે પણ છવાયું છે. મહિલા શક્તિ સમાજના દરેક ક્ષેત્રમાં નવા આયામો સર કરી રહી છે.
આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલા, પૂર્વ પ્રમુખ વિજય મેવાવાલા, માનદ્ સેક્રેટરી બિજલ જરીવાલા, માનદ્ ખજાનચી CA મિતીષ મોદી, ચેમ્બરના લેડીઝ વિંગના ચેરપર્સન શ્રીમતી મયૂરીબેન મેવાવાલા સહિત અનેક મહિલા સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
