<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

લાંચિયા તલાટી કમ મંત્રી એ.સી.બી.ના સકંજામાં : જન્મના દાખલા માટે ₹૨૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા!

વિરમગામના જખવાડા ગ્રામ પંચાયત કચેરી ખાતે ACBનું સફળ છટકું : મહિલા તલાટી કાશ્મીરાબેન મકવાણા સામે ગુનો દાખલ

રાજકોટ : ભ્રષ્ટાચારને ડામવા માટે કાર્યરત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ આજે વધુ એક સફળ ટ્રેપ ગોઠવી છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાની જખવાડા ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી કાશ્મીરાબેન ડી/ઓ ભાણદાસ મકવાણા (વર્ગ-૩) ને ₹૨૦,૦૦૦ ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
ઘટનાની વિગત:
આ કેસના ફરિયાદી, એક જાગૃત નાગરિક, પોતાની પુત્રીનું જન્મ પ્રમાણપત્ર કઢાવવા માટે લગભગ પંદર દિવસ પહેલા જખવાડા ગ્રામ પંચાયત કચેરી ગયા હતા. ત્યાં હાજર તલાટી કમ મંત્રી કાશ્મીરાબેનને મળીને તેમણે જન્મ પ્રમાણપત્ર કાઢી આપવા વિનંતી કરી હતી. તે સમયે આરોપી કાશ્મીરાબેને ફરિયાદીને જણાવ્યું હતું કે, જો પુત્રીનું જન્મ પ્રમાણપત્ર કઢાવવું હોય તો ₹૨૦,૦૦૦ નો "વહેવાર" કરવો પડશે. ફરિયાદીએ હાલમાં આટલા પૈસાની વ્યવસ્થા ન હોવાનું જણાવતા, આરોપીએ તેમને પૈસાની વ્યવસ્થા કરી રૂબરૂ પંચાયત કચેરી આવવા જણાવ્યું હતું.
ફરિયાદી લાંચના આ નાણાં આપવા માંગતા ન હોવાથી, તેમણે આજે ACB નો સંપર્ક કર્યો. ફરિયાદીની ફરિયાદના આધારે, ACB દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. લાંચના છટકા દરમિયાન, આરોપી કાશ્મીરાબેને ₹૨૦,૦૦૦ ની લાંચની માંગણી કરી અને સ્વીકારી હતી, અને સ્થળ પર જ ACB દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા હતા. આમ, તેઓએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો કર્યો છે.
ACB ટીમે પ્રશંસનીય કામગીરી કરી:
આ ટ્રેપિંગ ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. જાદવ, અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પી.સ્ટે. દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સુપરવિઝન અધિકારી તરીકે ઇ.ચા. મદદનીશ નિયામક એન.એન. જાદવ, એ.સી.બી. અમદાવાદ એકમ, અમદાવાદ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સફળ કાર્યવાહી ભ્રષ્ટાચાર સામે ACB ની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને સરકારી કચેરીઓમાં પારદર્શિતા લાવવામાં મદદરૂપ થશે.

(6:53 PM IST)