<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

ગુજરાતમાં આવતીકાલથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરૂ થશે : ૨૩,૪૮૮ ખેડૂતોએ નોંધણી કરાવી!

રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલના ભાવે ૯૩ ખરીદ કેન્દ્રો પરથી મગની ખરીદી : અનિવાર્ય સંજોગોને કારણે મોકૂફ રખાયેલી ખરીદી ફરી શરૂ થશે

ગાંધીનગર : ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર છે. રાજ્યભરમાં આવતીકાલ, તા. ૨૧ જૂન, ૨૦૨૫ થી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે મગ પાક માટે ₹૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલનો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે, જે ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરશે.
ખરીદી પ્રક્રિયા અને નોંધણી:
વર્ષ ૨૦૨૪-૨૫ માં ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર ૫૬ હજાર હેક્ટરમાં થયું હતું. આ ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત રાજ્ય નોડલ એજન્સીઓ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં ૯૩ જેટલા ખરીદ કેન્દ્રો પરથી આવતીકાલથી ખરીદી શરૂ કરવામાં આવશે.
ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર રાજ્યના કુલ ૨૩,૪૮૮ ખેડૂતોએ સફળતાપૂર્વક નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતોને SMS મારફતે જાણ કરવામાં આવશે. તેમને નિયત કરવામાં આવેલા ખરીદી કેન્દ્ર ખાતે પોતાની જણસી (ઉત્પાદન) સાથે સમયસર ઉપસ્થિત રહેવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અનિવાર્ય સંજોગોના કારણે તા. ૧૪ જૂને ઉનાળુ મગના ટેકાના ભાવની ખરીદી મોકૂફ રાખવામાં આવી હતી, જે હવે આવતીકાલ, તા. ૨૧ જૂનથી ફરી શરૂ થશે. આ નિર્ણયથી ખેડૂતોને રાહત મળશે અને તેઓ પોતાના મગના પાકનું યોગ્ય મૂલ્ય મેળવી શકશે.

(6:34 PM IST)