તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
ગાંધીનગર મહાનગરપાલિકાનો મ્યુનિસિપલ બોન્ડ ૯ ગણો ઓવરસબસ્ક્રાઇબ : ₹૨૫ કરોડની સામે મળી ₹૨૨૫ કરોડની ઓફર!
સ્થાપનાના ૧૫ વર્ષમાં જ બોન્ડ લાવનાર રાજ્યની પ્રથમ મનપા - દેશમાં ૧૭મી : સરકાર તરફથી ₹૩.૨૫ કરોડની વ્યાજ સબસિડી મળશે

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાએ નાણાકીય સ્વતંત્રતા અને વિકાસના પથ પર એક મોટો કૂદકો લગાવ્યો છે. વર્ષ ૨૦૧૦ માં સ્થપાયેલી ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર મૂકવામાં આવેલો ₹૨૫ કરોડનો મ્યુનિસિપલ બોન્ડ આજે માત્ર એક જ મિનિટમાં ૦૯ ગણો ઓવરસબસ્ક્રાઇબ થયો હતો, જે નાગરિકો તરફથી મળેલા પ્રચંડ પ્રતિસાદનો પુરાવો છે. GMC ના ₹૨૫ કરોડના બોન્ડ ઈસ્યુ સામે ₹૨૨૫ કરોડની જંગી ઓફર મળી હતી, જેના પર ૭.૬૫ ટકાનો કુપન રેટ મળ્યો છે.
રાજ્યમાં પ્રથમ અને દેશમાં ૧૭મી મનપા:
ગાંધીનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ મેળવનારી રાજ્યની પાંચમી મહાનગરપાલિકા બની છે. ભૂતકાળમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાએ આ સિદ્ધિ મેળવી છે. જોકે, પોતાની સ્થાપનાના માત્ર ૧૫ વર્ષમાં જ મ્યુનિસિપલ બોન્ડ લાવનાર ગાંધીનગર મહાનગરપાલિકા રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બની છે, જે તેની ઝડપી પ્રગતિ દર્શાવે છે. સમગ્ર દેશમાં મ્યુનિસિપલ બોન્ડ મેળવનારી આ ૧૭મી મહાનગરપાલિકા છે.
નાણાકીય શિસ્ત અને પારદર્શિતા:
ગાંધીનગર મહાનગરપાલિકા છેલ્લા બે વર્ષથી ઓડિટ, રેટીંગ અને મંજુરીની જટિલ પ્રક્રિયામાંથી પસાર થઈને મ્યુનિસિપલ બોન્ડ મેળવવામાં સફળ થઈ છે. આ માટે ગાંધીનગરપાલિકાને CARE–(AA) અને CRISIL(-AA) જેવા પ્રતિષ્ઠિત રેટીંગ મળ્યા છે, જે તેની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવે છે. મ્યુનિસિપલ બોન્ડ મેળવવાથી મહાનગરપાલિકાના નાણાકીય હિસાબોમાં વધુ શિસ્ત અને પારદર્શિતા આવશે. ઉપરાંત, નાણાકીય હિસાબોનું થર્ડ પાર્ટી દ્વારા સુપરવિઝન અને મોનિટરીંગ પણ કરવામાં આવશે, જે જવાબદારીપૂર્વક ભંડોળના ઉપયોગને સુનિશ્ચિત કરશે.
સરકાર તરફથી પ્રોત્સાહન અને સહયોગીઓ:
ગાંધીનગર મહાનગરપાલિકા દેશની પ્રથમ ૨૦ મહાનગરપાલિકાઓ પૈકી એક હોવાથી, ભારત સરકાર દ્વારા પ્રોત્સાહન તરીકે આશરે ₹૩.૨૫ કરોડની વ્યાજ સબસિડી મળશે, તેમ ગાંધીનગર મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવાયું છે.
આ બોન્ડ ઈસ્યુની પ્રક્રિયામાં સોલ એરેન્જર તરીકે ટીપસન કન્સલ્ટન્સી સર્વિસીસ પ્રા.લિ., લીગલ કાઉન્સિલ M.V. Kinni તથા ઓડિટર PJNDV ની મહત્વની ભૂમિકા રહી છે. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ તેમજ સ્થાયી સમિતિના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસની મંજૂરી અને મદદથી આ ભવ્ય સિદ્ધિ હાંસલ થઈ છે. આ બોન્ડ ઈસ્યુ ગાંધીનગરના શહેરી વિકાસ પ્રોજેક્ટ્સ માટે મૂડી એકત્રિત કરવામાં મદદ કરશે અને શહેરના સર્વાંગી વિકાસને વેગ આપશે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
