<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

અમદાવાદમાં મેયર અને પદાધિકારીઓ દ્વારા રથયાત્રાના રુટ પર નિરીક્ષણ કરાયું :જર્જરીત બાંધકામોને ઉતારી લેવા નોટીસ

રથયાત્રાના રુટ પર આવતા 528 જર્જરિત બાંધકામોના માલિકોને નોટિસ :22 મકાનો ઉતારી લેવાયા અને 50 જેટલા મકાનો ઉતારી લેવાની કામગીરી

અમદાવાદમાં આગામી 27 જૂન એટલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી નગરયાત્રાએ નીકળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વખતે 148મી રથયાત્રાના રુટને હેરિટેજ રુટ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે આજે અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને પદાધિકારીઓએ રથયાત્રાના રુટ પર નિરીક્ષણ કર્યું હતું અને જર્જરીત બાંધકામોને ઉતારી લેવા નોટિસ આપી હતી.

મળતી માહિતી મુજબ, અમદાવાદના મેયર અને કોર્પોરેશનના પદાધિકારીઓએ રથયાત્રાના રુટ પર નિરિક્ષણ કર્યું હતું. રથયાત્રાના રુટ પર આવતા 528 જર્જરિત બાંધકામોના માલિકોને નોટિસ આપવામાં આવી હતી. આ સાથે જર્જરિત બાંધકામો ઉતારી લેવાનું કહેવામાં આવ્યું છે. અત્યારે 22 મકાનો ઉતારી લેવાયા છે અને 50 જેટલા મકાનો ઉતારી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે રસ્તામાં નડતરરૂપ ઝાડને પણ ટ્રિમિંગ કરવામાં આવી રહ્યા છે.

મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સુવિધા વ્યવસ્થા કરવામાં આવી છે એ રુટનું નિરિક્ષણ પદાધિકારીઓ અને ચેરમેન દ્વારા કરવામાં આવ્યું છે. અંદાજે રથયાત્રાના 14 કિલોમીટરના રુટ પર રોડ-રસ્તા રિસરફેસ કરવાના, ઝાડ ટ્રિમિંગની કામગીરી, હેલોજન લાઈટ લગાડવાની, પાણીની પરબ બનાવવાની, ફાયરબ્રિગેડ અને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન કરાયું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ વખતે રથયાત્રા રુટને હેરિટેજ રુટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. અત્યારે જગન્નાથજી મંદિરથી ખમાસા અને AMC ઓફિસ સુધી નિરિક્ષણ કરવામાં આવ્યું છે. જ્યાં જરૂર જણાય ત્યાં કામગીરી કરવા સૂચન કરાયું છે.

(1:17 PM IST)