News of Wednesday, 18th June 2025
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી 68 રોડ-રસ્તા બંધ: 983 લોકોનું સ્થળાંતર: કુલ 10.46% સરેરાશ વરસાદ થયો
સૌરાષ્ટ્રના જળસંગ્રહમા રાતોરાત 10542 એમસીએફટી વધારો : ભારે વરસાદને કારણે 9 ડેમો 100 ટકા ભરાયા અને 11 ડેમો હાઈ એલર્ટ પર: રાજ્યના 23 ડેમો 70 ટકાથી ઉપર ભરાયા

અમદાવાદ : સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ યથાવત છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીરની આવક થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. માત્ર એક જ દિવસમાં સૌરાષ્ટ્રના ડેમોના સ્ટોરેજમાં 10.46%નો જંગી વધારો થયો હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના જળસંગ્રહમા રાતોરાત 10542 એમસીએફટી વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં સાંજના 6 વાગ્યા સુધી 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 23 તાલુકામાં 1 ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ નોંધાયો, ડાંગ-આહવામાં 5.71 ઇંચ વરસાદ, વઘઇમાં 4.21 ઇંચ, સુબિરમાં 3.46 ઇંચ વરસાદ, વાસંદામાં 3.27 ઇંચ, વેરાવળમાં 3.23 ઇંચ વરસાદ, સુત્રાપાડામાં 2.95 ઇંચ, ખેરગામમાં 2.76 ઇંચ વરસાદ નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓને મેઘરાજાએ ધમરોળ્યું છે. જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં કુલ સરેરાશ વરસાદ 10.46 ટકા નોંધાયો છે. ભારે વરસાદને કારણે 9 ડેમો 100 ટકા ભરાયા છે અને 11 ડેમો હાઈ એલર્ટ પર છે. રાજ્યના 23 ડેમો 70 ટકાથી ઉપર ભરાયા હોવાનું સામે આવ્યું છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અનેક શહેરો અને ગામડાઓમાં લોકો ઘર વિહોણા થયા છે તો અનેક ગામોમાં વીજળી ગૂલ થયા હોવાની માહિતી મળી રહી છે. અનેક જગ્યાએ રોડ-રસ્તાઓ અને પુલો તૂડ્યા હોવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. ભારે વરસાદને કારણે બોટાદમાં 40 લોકોનું સ્થળાંતર કરાયું છે. અમરેલીમાં 80 લોકોનું સ્થળાંતર કરાયું, ભાવનગરમાં 729 લોકોનું સ્થળાંતર કરાયું, સુરેન્દ્રનગરમાં 134 લોકોનું સ્થળાંતર કરાયું છે. આમ, રાજ્યમાં કુલ 983 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 182 લોકોનું રેસ્કયુ કરાયું છે.
રાજ્યમાં કૂલ 182 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે.જેમાં બોટાદમાં 24 લોકોનું રેસ્કયુ કરાયું, ભાવનગરમાં 89 લોકોનું રેસ્કયુ કરાયું, અમરેલીમાં 69 લોકોનું રેસ્કયુ કરાયું છે. ભારે વરસાદના પગલે 189 રોડ બંધ હતા, જેમાં 23 રોડ શરૂ કરવામાં આવ્યાં છે. અત્યારની સ્થિતિએ 168 રોડ રાજ્યમાં બંધ છે. હવામાન વિભાગની આગાહીને પગલે તારીખ 12 થી 22 સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં સવારથી બપોરના 4 વાગ્યા સુધી 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગુજરાતના 17 તાલુકામાં 1 ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. ડાંગ-આહવામાં 4.76 ઇંચ વરસાદ નોંધાયો છે. સુબિરમાં 3.39 ઇંચ, વેરાવળમાં 1.19 ઇંચ વરસાદ નોંધાયો છે. વઘઇ અને સુત્રાપાડામાં 2.76 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર-ગઢડામાં 2.2 અને વાસદામાં 2.09 ઇંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને નિઝરમાં 1.73-1.73 ઇંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં ચોમાસાની જોરદાર શરુઆત થઈ ગઈ છે. આજ સવાર સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 10.46 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે હજી પણ હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપી છે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
