<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કારમાં આગ લાગી : દિવ્યાંગ ડ્રાઈવરનો આબાદ બચાવ

નડીયાદથી આણંદની વચ્ચે કારમાં અચાનક ધુમાડો નિકળવા લાગ્યો અને કાર લોક થઈ ગઈ: દિવ્યાંગ વ્યક્તિના સદનસીબે એક દરવાજાનું લોક ખુલી ગયું

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પણ કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જોકે આગ લાગ્યા બાદ કાર લોક થઈ ગઈ હતી. પરંતુ ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો.

બુધવારની બપોરે એક દિવ્યાંગ વ્યક્તિ પોતાની કાર ચલાવીને એક્સપ્રેસ હાઈવે પરથી અમદાવાદથી વડોદરા જઈ રહી હતી. ત્યારે નડીયાદથી આણંદની વચ્ચે કારમાં અચાનક ધુમાડો નિકળવા લાગ્યો હતો. જેના કારણે કાર લોક થઈ ગઈ હતી.

ધુમાડાના કારણે કાર તો લોક થઈ ગઈ હતી. પરંતુ દિવ્યાંગ વ્યક્તિના સદનસીબે એક દરવાજાનું લોક ખુલી ગયું હતું. જેથી સમયસૂચકતા વાપરીને તે કારમાંથી બહાર આવી ગયો હતો. ત્યાર બાદ કારમાં આગ વિસ્તરી હતી. કારમાં આગ લાગવાની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે કાર સંપૂર્ણ રીતે બળીને રાખ થઈ ગઈ હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર એવું જોવા મળે છે કે કારમાં આગે લાગે છે ત્યારે તે લોક થઈ જાય છે. આવા સંજોગોમાં ઘણીવાર કારમાં સવાર લોકોને જીવ ગુમાવવાની નોબત પણ આવે છે. તેથી કારમાં કોઈ એવી વસ્તુ અવશ્ય રાખવી જોઈએ, જેનાથી કારનો કાચ તોડીને બહાર આવી શકાય અને પોતાનો જીવ બચાવી શકાય.

(9:37 PM IST)