<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સાથે શુભેચ્છા મુલાકાત : ગુજરાત શાંતિ અને સદભાવનો સંદેશ આપતું કેન્દ્ર બનશે : બૌદ્ધ વારસામાં ઊંડો રસ

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરાઈ : વડનગર અને દેવની મોરીના બૌદ્ધ સ્થળોના જોડાણમાં ધર્મગુરુએ રસ દાખવ્યો : વડોદરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર અને દ્વારકાનો પણ પ્રતિનિધિમંડળ પ્રવાસ કરશે : ભારત-થાઈલેન્ડ સંબંધો વધુ મજબૂત બનશે

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગાંધીનગર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ આદરણીય સોમદેજ ફ્રા થેરાયન મુનિ અને તેમના પ્રતિનિધિમંડળે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાતની ધરતી પર શાંતિ અને સદભાવનો સંદેશો પ્રસરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
થાઈલેન્ડનું એક થાઈ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળ, સર્વોચ્ચ પિતૃપ્રધાન સોમદેજ ફ્રા થેરાયનમુનિના નેતૃત્વમાં, ભારતની ૭ દિવસની મુલાકાતે છે અને ગુજરાતમાં ૫ દિવસનો પ્રવાસ કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની આ મુલાકાત બેઠકમાં પ્રતિનિધિમંડળે અમદાવાદ ખાતે થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રતિનિધિમંડળમાં થાઈલેન્ડના ૭ નાગરિકોનો સમાવેશ થાય છે, જેમાં બે સર્વોચ્ચ સાધુઓ અને સંઘ સુપ્રીમ કાઉન્સિલ ઓફ થાઈલેન્ડ એબોટ વાટ દેબસિરીન્દ્રવાસનો સમાવેશ થાય છે. થાઈલેન્ડના વડા પ્રધાનના સલાહકાર પ્રોફેસર ટોંગથોંગ ચંદ્રાંસુ પણ આ પ્રતિનિધિમંડળ સાથે ગુજરાત રાજ્યની મુલાકાતે છે. ખાસ ઉલ્લેખનીય છે કે, જેમણે રામાયણ અને ભગવાન બુદ્ધના જીવન પરની ટીવી સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી તે અભિનેતા ગગન મલિક પણ આ પ્રતિનિધિમંડળમાં જોડાયા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં થાઈલેન્ડની મુલાકાત દરમિયાન ગુજરાતના અરવલ્લી જિલ્લામાં દેવની મોરી ખાતે મળેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને થાઈલેન્ડ પ્રદર્શન માટે મોકલવાની ઘોષણા કરી હતી. થાઈલેન્ડના પ્રધાનમંત્રીએ પણ ભારતમાં બુદ્ધિષ્ટ સર્કિટનો વ્યાપ વધારવા તેમના તરફથી સહયોગ કરવાની ખાતરી આપી હતી, જેમાં ગુજરાતના સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે.
આ સંદર્ભમાં, આદરણીય બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિ તા. 16 જૂનથી 22મી જૂન દરમિયાન ભારત પ્રવાસે તેમના પ્રતિનિધિમંડળ સાથે આવેલા છે. આ પ્રવાસ દરમિયાન તા. 17 થી 21 જૂન સુધી તેઓ વડોદરા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર અને દ્વારકાની મુલાકાતે જવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિની ગુજરાત મુલાકાત શાંતિ અને સદભાવનો સંદેશ આપનારી બની રહેશે. એટલું જ નહીં, તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત-થાઈલેન્ડના સંબંધોનો સેતુ વધુ મજબૂત બનાવવામાં પણ આ મુલાકાત ઉપયુક્ત બનશે. મુખ્યમંત્રીએ ભારત-થાઈલેન્ડ બંને રાષ્ટ્રોની સાંસ્કૃતિક એકતા, શાંતિ અને ધમ્મના સહિયારા મૂલ્યોનો સંદર્ભ આપ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2019માં UNGAમાં આપેલા સંદેશનું પણ સ્મરણ કર્યું હતું કે "આપણે એવા દેશના છીએ જેણે વિશ્વને યુદ્ધ નહિ બુદ્ધ આપ્યા છે".
પ્રવાસન સચિવ ડો. રાજેન્દ્ર કુમારે પ્રતિનિધિમંડળને ગુજરાતના સમૃદ્ધ બૌદ્ધ વારસા વિશે વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે ગુજરાતમાં મળી આવેલા બૌદ્ધ સ્તૂપો, વિહારો અને ખડકોમાં કોતરેલી ગુફાઓની શ્રેણીના સમૃદ્ધ વારસા અને 2જી BCE થી 6ઠ્ઠી CE સુધીના ઇતિહાસ વિશે માહિતી આપી હતી. પ્રતિનિધિમંડળે વડનગરના બૌદ્ધ વારસા, ઝુઆનઝાંગ (હુએન ત્સાંગ) સાથેના જોડાણમાં ઊંડો રસ દાખવ્યો હતો. ખાસ કરીને દેવની મોરીનો ઇતિહાસ અને દેવની મોરી ખાતે મળેલા ભગવાન બુદ્ધના અવશેષો વિશે જાણવા માટે પ્રતિનિધિમંડળે ઉત્સુકતા દર્શાવી હતી. પ્રતિનિધિમંડળને દેવની મોરી સ્થળ વિકસાવવા અને ડૂબી ગયેલા સ્તૂપની પ્રતિકૃતિ બનાવવા તેમજ વડાપ્રધાન દ્વારા કલ્પના કરાયેલી દેવની મોરીને વૈશ્વિક બૌદ્ધ યાત્રાધામ તરીકે વિકસાવવાના રાજ્ય સરકારના પ્રયાસો અને ભવ્ય યોજના વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની બેઠક દરમિયાન, સોમદેજ ફ્રા થેરાયન મુનિએ મુખ્યમંત્રીની ચેમ્બરમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે કોલકત્તાના બેલુર મઠમાં સમય વિતાવ્યો છે અને સ્વામી વિવેકાનંદ સાથેના તેમના ઊંડા જોડાણનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બૌદ્ધ ધર્મગુરુ આદરણીય સોમદેજ ફ્રા થેરાયન મુનિને સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માન કર્યું હતું, જ્યારે બૌદ્ધ ધર્મગુરુએ પણ મુખ્યમંત્રીને બૌદ્ધ ધર્મ સાહિત્ય પ્રકાશનો અને પ્રતિમા વગેરેની સ્મૃતિ ભેટ આપી હતી. આ મુલાકાત બેઠકમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ અને પ્રવાસન અગ્ર સચિવ ડો. રાજેન્દ્રકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

(6:56 PM IST)