<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

ચોમાસાના પ્રારંભે 11 ડેમો હાઇ એલર્ટ અને 13 ડેમો એલર્ટ પર: નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા

રાજયના 206 જળાશયો કુલ 40.47 ટકા ભરાયા: 9 જેટલા ડેમો 100 ટકા ભરાયેલા છે. જ્યારે 25 ડેમો 70થી 100 ટકા સુધી ભરાયા

અમદાવાદ :ચોમાસાની શરૂઆત થતાં જ રાજ્યના જળાશયોમાં પાણીની આવક થઇ છે. નવા નીર આવવાની સાથે રાજ્યના ડેમોમાં પાણીનો વિપુલપ્રમાણમાં જથ્થો સંગ્રહિત થયો છે. આજે સવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, રાજ્યના 206 જળાશયોમાંથી 11 ડેમો હાઇ એલર્ટ પર છે, જ્યારે 13 ડેમ એલર્ટ પર છે અને 10 ડેમ વોર્નિંગની સ્થિતિ પર છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં ડેમોની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 51.56 ટકા જળસંગ્રહ છે. જ્યારે રાજ્યના 206 જળાશયો કુલ 40.47 ટકા ભરાયા છે. 9 જેટલા ડેમો 100 ટકા ભરાયેલા છે. જ્યારે 25 ડેમો 70થી 100 ટકા સુધી ભરાયા છે. 55 ડેમો 25થી 50 ટકા સુધી ભરાયા છે જ્યારે 95 ડેમોમાં સંગ્રહિત પાણીની સ્થિતિ 25 ટકાથી ઓછી છે. રાજ્યના 11 ડેમો હાઇ એલર્ટ પર છે. 13 એલર્ટ અને 10 ડેમો વોર્નિંગની સ્થિતિમાં છે.

રાજ્યના જે 11 ડેમો હાઇ એલર્ટ પર છે, તેના પર નજર ફેરવીએ તો અમરેલીનો ધાતરવાડી અને સુરજવાડી ડેમ, ભાવનગરનો શેત્રુંજી, રોજકી, બાગડ અને રંગઘોળા ડેમ, બોટાદનો ભીમદાદ ડેમ, સુરેન્દ્રનગરનો વાંસલ, લીમ-ભોગાવો-1, સબુરી અને ધોળીધજા ડેમ હાઇ એલર્ટ પર છે.

જ્યારે જે 13 ડેમો એલર્ટ પર છે, તેમાં કચ્છનો કાલાઘોઘા ડેમ, બોટાદના કાણિયાદ, ગોમા, ઉતાવળી અને માલપરા ડેમ, સુરેન્દ્રનગરના નાયકા, નિમ્બમણી ડેમ, મોરબીના મચ્છુ-3, ઘોડાધરોઇ, બ્રાહ્મણી ડેમ, અમરેલીનો વાડી ડેમ તથા ભાવનગરના પિંગલી અને રાજવાલ ડેમ એલર્ટ પર છે.

(1:29 PM IST)