<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

ધોલેરા ઇન્‍ટરનેશનલ એરપોર્ટની કેનાલ બનાવવાના કામમાં કરોડોનો ભ્રષ્‍ટાચાર

ટેન્‍ડરની શરત મુજબ લોખંડ નહિ વાપર્યાનો સ્‍થળ તપાસ પરથી ધડાકો કરતા પીઢ કોન્‍ટ્રેકટર મનહરલાલ કોટક : જળસંપતિ વિભાગના તાજેતરમાં નિવૃત થયેલા અને તુરંત કરાર આધારીત અધિકારી તરીકે નિમણુંક પામેલા એમ.ડી.પટેલ અને કોન્‍ટ્રકટરોના મેળાપિપણા અંગે મુખ્‍યમંત્રી, મુખ્‍ય સચિવ અને તકેદારી આયુકતને પુરાવા સાથે રજુઆત કરી તાકીદની તપાસ માંગી.

રાજકોટ, તા., ૧રઃ જળસંપતિ વિભાગના કરાર આધારીત ખાસ સચિવ અને મુખ્‍ય ઇજનેર શ્રી (ઉત્તર ગુજરાત) એમ.ડી.પટેલ દ્વારા ધોલેરા ઇન્‍ટરનેશનલ એરપોર્ટ આસપાસ ચેનલ (કેનાલ) બનાવવાના કામમાં કોન્‍ટ્રેકટરો સાથે મેળાપીપણું કરી સરકારને કરોડો રૂપીયાનું નુકશાન કરી સ્‍વહિતમાં કરોડોનો ભ્રષ્‍ટાચાર આચર્યાની લેખીત ફરીયાદ રાજયના મુખ્‍ય સચિવ શ્રીને સંબોધી રાજકોટના કાલાવડ રોડ ઉપર ગોંધીયા હોસ્‍પીટલ સામે આવેલા શંખેશ્વરનગરમાં રહેતા પીઢ કોન્‍ટ્રેકટર મનહરલાલ એન.કોટક દ્વારા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

રાજયના અનેક ડેમોના કામો કરનાર મનહરલાલ એન.કોટક દ્વારા ધોલેરા ઇન્‍ટરનેશનલ એરપોર્ટ નજીક ચેનલ બનાવવાના કામનું પોતાની મશીનરી સાથે જાત નિરિક્ષણ કરી ટેન્‍ડરની શરત મુજબ  લોખંડ સહિતનું મટીરીયલ નહિ વાપરી ‘લોટ પાણીને લાકડા' જેવા કામનો પર્દાફાશ  કરવા સાથે એમ.ડી.પટેલે આચરેલા કૌભાંડો  અંગે મુદ્દાસરની રજુઆત મુખ્‍યમંત્રીશ્રી, તકેદારી આયુકત શ્રી, અને ગુજરાત રાજયના મુખ્‍યસચિવ શ્રીને ટેકનીકલ માહિતી સાથેની મુદ્વાસરની રજુઆત કરવા સાથે એમ.ડી.પટેલને નિવૃતિ પહેલા આપવામાં આવેલા પ્રમોશન અને પાછળથી તુરંત કોન્‍ટ્રેકટ  ઉપર નિમણુંકના મુદ્દે પણ વેધક સવાલો ઉઠાવ્‍યા છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે,  હાલ કોન્‍ટ્રાકટ પરના શ્રી એમ.ડી.પટેલ ખાસ સચિવ અને મુખ્‍ય ઇજનેર( ઉત્તર ગુજરાત) ખૂબ મોટા ભ્રષ્ટાચારી અધિકારી છે. તેઓ તા. ૩૧-૦૫-૨૫ ના રોજ નિવુત થયા તેના પાંચ દિવસ પહેલાં સચિવનું પ્રમોશન આપ્‍યું અને રીટાયર્ડ થયાના અઠવાડીયામાં કોન્‍ટ્રેકટ પર રાખ્‍યા અને સચિવકક્ષાથી નીચેના પદ મુખ્‍ય ઇજનેર અને અધિક સચિવનું વધારાનું ખાતુ સોપ્‍યું. જેનાથી સાબીત થાય છે કે એમ.ડી.  પટેલ મોટી વગ ધરાવતા, પૈસા વાળા ઉચ્‍ચ અધિકારી છે. આથી તેઓને ભ્રષ્‍ટાચાર કરવાની વધુ આઝાદી મળીગઇ છે.

 તેઓ દ્વારા કરેલ ભ્રષ્‍ટાચારની વિગતો વર્ણવતા મનહરલાલ કોટકે લેખીતમાં જણાવ્‍યું છે કે, ધોલેરા ઈન્‍ટરનેશનલ એરપોર્ટમાં ચેનલ બનાવવાના આશરે પંચાવન કરોડ રૂપિયાના કામમાં શ્રી પટેલ- મુખ્‍ય ઇજનેરના સમયગાળા દરમિયાન થયેલા  ભ્રષ્ટાચાર અંગેની લેખિત ફરિયાદ આધાર પુરાવા સાથે આપેલ છે.

ધોલેરા એરપોર્ટ ના કામમાં સ્‍થળ પર ૮ ઇંચ હ્‍ ૮ ઇંચ ના અંતરે એપોક્ષી કોટેડ લોખંડ નાંખવાનું થતું હતું પરંતુ આવું કોઇ લોખંડ નાખ્‍યા વગર ખોટા માપો અને રેકર્ડ બનાવી, નબળું કોક્રીંટ કામ કરી આશરે રૂ. ૧૦ કરોડ ની ઉચાપત થયેલ છે. જે અંગે જાગ્રુત નાગરિકો દ્વારા લેખિત ફરિયાદો તકેદારી આયોગને અને અન્‍ય સંસ્‍થાઓને થયેલ હતી. જેની તપાસ કરી મુખ્‍ય ઇજનેર એમ ડી પટેલ પાસે રીપોર્ટ માંગવામાં આવેલ હતો પરંતુ શ્રી પટેલે કોંટ્રાકટર અને નીચેના અધિકારીઓ સાથે ભળી જઈને રૂ અઢી કરોડનો ભાગ લઈ આખી તપાસ દબાવી દીધી છે. એક જાગૃત અરજદારને અરજી પાછી ખેચવાના રૂ.૨.૫ લાખ એમ. ડી પટેલ દ્વારા અમદાવાદ વષાાપુર ખાતેના બહુમાળી ભવનમાં સિંચાઇ વર્તુળ કચેરીમાં જાતે આપવામાં આવ્‍યા હતા. આજરોજ ફરિયાદ મુજબ સ્‍થળ ચકાસણી થાય તો પણ આ કૌભાંડ સાબિત થાય તેમ છે. મેં સ્‍થળની જાત તપાસ કરી ત્‍યારના ફોટા સહિતની માહીતી પણ રજુઆત સાથે જોડી છે.

અમારી ફરિયાદો અંગે શ્રી પટેલ ને જાણ થઈ ગઇ છે આથી તેઓ દ્વારા ઉકત કામના રેકર્ડ તેમના તાબાના અધિકારી એચ. ડી .મિત્રા, કાર્યપાલક ઇજનેર, અમદાવાદ સિંચાઇ વિભાગ ની કચેરીમાંથી શ્રી મિત્રા મારફ્‌ત ગુમ કરી નાશ કરવાની કોશિશ કરવામાં આવતી  હોવાનું અમારી જાણમાં આવેલ છે.

સ્‍થળ તપાસ અટકાવવા ધોલેરા ઈન્‍ટરનેશનલ એરપોર્ટ ચેનલના કૌભાંડના સ્‍થળ પર જવાના રસ્‍તા પર આરોપીઓના ઇશારે અડચણો કરી રસ્‍તા બંધ કરવામાં આવી રહ્યા છે. સ્‍થળ પર જે વગ્‍યાએ લોખંડ નાખ્‍યુ ન હોવા છતાં ચુકવણું થયેલ છે.  જેના ફોટોગ્રાફ પણ અમોએ પુરાવા તરીકે રજુ કરેલા છે. આથી તેની સ્‍થળ તપાસ કરી સજ્જડ પુરાવા એકઠા કરી લેવામાં આવે તો અમે અધિકારીઓ સાથે સ્‍થળ પર લોખંડ નાંખેલ નથી તે સ્‍થળે અમો રૂબરૂ હાજર રહી બતાવવા માંગીએ છીએ.

વધુમાં કૌભાંડની સાઈટ ખૂબ અંતરીયાળ હોવાથી, દરિયા કાંઠે હોવાથી ચોમાસામાં પાણી ભરાઇ જાય છે ત્‍યાર પછી નવેમ્‍બર મહીના બાદ જ સાઈટ પર પહોચાય તેવી સ્‍થિતિ હોય છે. આથી આગામી ચોમાસું શરૂ થાય તે પહેલાં તાત્‍કાલીક સ્‍થળ પરના સજ્જડ પુરાવા એકત્રિત કરી લેવામાં આવે તે માટેના આદેશો થવા જરૂરી છે. પ્રજાના ટેક્‍સના કરોડો રૂપિયાની ઉચાપત કરનારા અધિકારીઓને તાત્‍કાલિક પકડવા જાહેર હિતમાં એક દિવસનો પણ વિલંબના થાય તે  જરૂરી છે.

કામનું નામ- ફલડ મીટીગેશન વર્ક ફોર ધોલેરા ઇન્‍ટરનેશનલ એરપોર્ટ એન્‍ડ એવીએશન ઝોન ( પીરીફેરલ કેનાલ ફોર એરપોર્ટ ) ટેન્‍ડર આઈ.ડી. નંબર- ૪૪૧૧૩૫.

નીચે બતાવેલ સ્‍કેચ પ્રમાણે આ ચેનલનાં ભોગાવો નદી તરફના છેડા બાજુથી તપાસ કરાવશો તો તરત સાબિત થશે કે કરોડો રૂપિયાનું સ્‍ટીલ વાપર્યા વગર ચુકવણા થયેલ છે. અને સરકારી નાણાની સીધી ઉચાપત કરેલ છે.સ્‍થળ તપાસમાં ર્ં અમારી ફરિયાદ સત્‍ય સાબિત થાય કે તુરંત ફોજદારી ફરિયાદ પોલીસ સ્‍ટેશનમાં નોંધાય તેવા આદેશ  કરવા પણ મનહરલાલ કોટક દ્વારા માંગણી કરવામાં આવી છે.

આ ઉપરાંત ધોલેરા એરપોર્ટની બાકી ચેનલના ટેન્‍ડર ખુલી ગયા બાદ ડીસકવોલીફાય થયેલ કોન્‍ટ્રાકટરના ભાવ ફરીથી ખોલી ફર્સ્‍ટ લોએસ્‍ટને બદલે અગાઉ ડીસકવોલીફાય કરેલ એજન્‍સીને કામ આપવાની પેરવી મુખ્‍ય ઇજનેરશ્રી એમ.ડી.પટેલ દ્વારા કરવામાં આવી છે . તેઓએ કોન્‍ટ્રાકટર પાસેથી લાંચ લઈ ડીસકવોલીફાયમાંથી કવોલીફાય કરેલ હોવાનું જણાઇ આવેલ છે. આથી અગાઉ પ્રથમ લોએસ્‍ટ આવનાર એજન્‍સી મીરલ ઇન્‍ફ્રા. દ્વારા નામદાર હાઇકોર્ટમાં કેસ દાખલ કરેલ છે જેને એક વર્ષ થયેલ છે પરંતુ પટેલના ઇશારે કેસમાં મુદતો લઈ કેસ લંબાવવામાં આવેલ છે. જેથી કોઇ વિરુદ્ધ નો હાઇકોર્ટનો ઓર્ડર થાય તો પ્રમોશનમાં નડે નહી તેવી ગોઠવણ તેમણે કરી હતી. જેમાં તેઓ સફળ થયા છે .

 એક વર્ષ થવા છતા સરકારનું કામ નહીં થવાથી ભાવવધારાનું મોટું નુકશાન સરકારને  એમ.ડી. પટેલના મલીન ઇરાદાને લીધે થયેલ છે.  હાઇકોર્ટના કેસ નો નંબર લ્‍ઘ્‍ખ્‍/૭૯૭૪/૨૦૨૪ છે. જેની તપાસ કરવા મારી માંગણી છે.

મુખ્‍ય ઇજનેર ( ઉત્તર ગુજરાત) એમ ડી પટેલ સુજલામ સુફલામ જળ અભિયાન ના ગુજરાત રાજય ના નોડલ અધિકારી વર્ષ ૨૦૨૨ થી આજદીન સુધી છે. તેઓએ આ જળ અભિયાનના ઓઠા હેઠળ ધોલેરા સર વિસ્‍તારમાં નદીઓના ખોદાણના ૭ ગેરકાયદેસર ઓર્ડરો આપી કરોડો રૂપિયાની રોયલ્‍ટીનું નુકશાન સરકારને કરાવેલ છે. ધોલેરા સર દ્વારા આ વિસ્‍તારમાં તેઓની મંજુરી વગર કોઇ માટી ઉપાડવી નહીં તેવું સ્‍પષ્ટ ઠરાવેલ છતાં આ વિસ્‍તારમાં નદીઓ અને સરકારી જમીનોમાંથી કરોડો ઘન મીટર માટી ઉપાડવાની વહીવટી મંજુરીઓ આશરે ૨૦ કરોડ રૂપિયા લઈને કરેલ હોવાનું જણાઇ આવેલ છે. ધોલેરા સિવાય આખા ગુજરાતમાં સેકંડો જગ્‍યાએ નદીઓમાંથી ખોદાણ કરવાની વહીવટી મંજુરીઓ આપી કિંમતી ખનીજ રેતીની ચોરી થયેલ છે જેમાં શ્રી એમ.ડી.પટેલે મોટો ભાગ લીધો હોવાનું અમારી જાણમાં આવેલ છે . આ કૌભાંડ આશરે રૂ. ૧૦૦ કરોડનું થાય તેમ છે. તેની તપાસ થવી જોઇએ.

અંતમાં કોટકે પોતાની રજુઆતમાં જણાવ્‍યું છેકે, મારી ઉપરોકત રજુઆત તથા સામેલ આધાર પુરાવાને ધ્‍યાને લઇ તુરંત તપાસ કરવાની કાર્યવાહી કરવાના આદેશ કરવા વિનંતી છે.

(12:07 PM IST)