તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
ગુજરાતમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં ૧૮ લોકોના મોત
છેલ્લા બે દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું

અમદાવાદ, તા.૧૮: ગુજરાતના ચાર જિલ્લાઓ, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ખાસ કરીને બોટાદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૭.૫ ઇંચ વરસાદ પડ્યો છે, જે પછી પાણીનું સ્તર વધવાને કારણે ખંભાડા ડેમના બધા દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ૪૦ લોકોને આશ્રયસ્થાનોમાં મોકલવામાં આવ્યા છે.
બોટાદમાં બુધવાર સવાર સુધી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, આ ઉપરાંત, વહેતી નદીમાં એક કાર વહી જવાથી અહીં ૫ લોકો ગુમ થયા છે. બીજી તરફ, પાણીના સ્તરમાં ઝડપથી વધારો થવાને કારણે, શત્રુંજય ડેમના ૫૯ દરવાજા પણ ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. NDRF અને SDRF ટીમો કથળતી સ્થિતિવાળા સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે ભાવનગર પણ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંનો એક છે. તેમણે કહ્યું કે રાજ્યના ઘણા ભાગોમાં આગામી ચાર દિવસમાં વધુ વરસાદ પડવાની શકયતા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે કેટલાક રસ્તાઓ અને પુલ બંધ કરવામાં આવ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ અંગે માહિતી આપતા રાજ્ય આપત્તિ કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા ભારે વરસાદ માટે મુખ્યમંત્રીએ મંગળવારે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં તેમણે ૨૫ જિલ્લા અધિકારીઓ સાથે વાત કરી અને તેમને એવા પગલાં લેવા કહ્યું કે જેથી જાનમાલનું નુકસાન ઓછામાં ઓછું થાય.
પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, તમામ જિલ્લાઓમાં NDRF અને SDRF ટીમો તૈનાત કરવામાં આવી છે અને એવી રીતે તૈનાત કરવામાં આવી છે કે બધા જિલ્લામાં ઓછામાં ઓછી એક ટીમ હોય. બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગર એમ ચાર જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ ૧૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. જે પછી મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને રાજ્ય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ પોસ્ટમોર્ટમ અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરીને મળતકોના પરિવારોને અનુદાન આપવા જણાવ્યું છે.
બોટાદની પરિસ્થિતિ વિશે માહિતી આપતા જિલ્લા કલેક્ટર જિન્સી રોયે જણાવ્યું કે, બરવાળા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ૪૦ લોકોને સાવચેતી રૂપે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, કારણ કે નજીકનો ડેમ ઓવરફલો થવાનો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બોટાદ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓ બુધવારે બંધ રહેશે. બુધવાર સવાર સુધી અહીં રેડ એલર્ટ રહેશે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
