<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

રાજપીપળા વીજ કંપનીની ફરી લાલીયાવાડી આવી સામે :આશાપુરી મંદિર પાસે ધડાકા સાથે વાયર સળગતો રહ્યો ફરિયાદ બાદ એક કલાકે પણ કોઈ ના આવ્યું..!!

મકાનોને અડીને આવેલા વીજ પોલ ઉપર ધડાકા સાથે વાયર સળગ્યો, ફરિયાદ કરી છતાં એક કલાક સુધી કોઈ નહીં આવ્યું આખરે સર્વિસ વાયર તૂટીને નીચે પડ્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં છાસવારે ઈમરજન્સીમાં તાત્કાલિક કોઈ લાઇનમેન નહીં આવવાની અવાર નવાર બુમ ઉઠે છે થોડા સમય પહેલા પણ નિઝામશા દરગાહ પાછળ ડીપી માં આગ લાગતા ચાર કલાક બાદ કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા, મંગળવારે સવારે વરસાદ પડતો હોય તે જ સમયે આશાપુરી માતા ના મંદિર પાસે રહેતા જનકભાઈ મોદી ના ઘર ને અડીને આવેલા વીજ પોલ ઉપર અચાનક જોરદાર ધડાકા સાથે વાયર સળગતો હતો અને વીજ કંપની ના ફરિયાદ કેન્દ્ર પર સવારે ફરિયાદ આપી છતાં એક કલાક સુધી પણ કોઈ ત્યાં ફરક્યું નહી ત્યારબાદ બે ત્રણ વખત ફરિયાદ કરવા છતાં આવે છે તેવા જ જવાબ મળતો રહ્યો અને આખરે ત્યાં સળગતો વાયર તૂટી ને નીચે પડતા સ્થાનિકો ના જીવ તાળવે ચોટી ગયા હતા.

જોકે આ બાબતે સ્થાનિક રહીશ પારૂલબેન મોદી એ વીજ કંપની ના ઇજનેર ને આ બાબત ને ફરિયાદ કર્યા બાદ એક લાઇન મેન ત્યાં આવ્યા અને મરામત કર્યા બાદ સ્થાનિકો એ રાહત અનુભવી.
આ ઘટના માં અગત્યની વાત એ હતી કે આ વીજ પોલ ની એકદમ નજીક મકાનો આવેલા છે અને ત્યાં સાંકડી ગલી હોય જો કરંટ યુક્ત જીવંત વાયર તૂટી પડ્યો હોત તો કોઈ દુર્ઘટના સર્જાત સદનસીબે કઈ થયું નથી પરંતુ વીજ કંપની માં ફરિયાદ બાદ પણ આવી ઇમરજન્સીને પણ એ લોકો ગંભીરતાથી નહી લેતા લોકો માં ભારે રોષ વ્યાપેલો જોવા મળે છે.

(10:22 PM IST)