<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

કડીમાં રોડ તૂટેલા છે, શાળાઓની હાલત ખરાબ: હોસ્પિટલમાં ઈલાજ નહીં :આતિશીએ ગુજરાત મોડલ પર ઉઠાવ્યા સવાલ

કડી આપ ના ઉમેદવાર જગદીશ ચાવડા ખેડૂતો માટે લડત લડશે, યુવાનો માટે અવાજ ઉઠાવશે, વ્યાપારીઓ માટે અવાજ ઉઠાવશે: આતિશી

અમદાવાદ :આજે કડી અને વિસાવદર પેટા ચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ છે અને આ અંતિમ દિવસમાં આમ આદમી પાર્ટીનું એડી ચોટીનું જોર લગાવ્યું હતું. આજે કડી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી તથા આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ એક મેગા રોડ શોમાં હાજરી આપી હતી.

આ મેગા રોડ શોમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, આમ આદમી પાર્ટી કડી વિધાનસભાના ઉમેદવાર જગદીશ ચાવડા અને બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાની સાથે સાથે અનેક પ્રદેશના પદાધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને કડીના સ્થાનિક લોકોએ હાજરી આપી હતી. આ મેગા રોડ શો બપોરે 2:00 વાગે સિદ્ધેશ્વરી માતાના મંદિરના ચોકથી શરૂ થયો હતો, ત્યારબાદ ગાંધી ચોક થઈને ભાગ્યોદય હોસ્પિટલ પાસે ખતમ થયો હતો.

આ રોડ શોમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ કડીની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આખા દેશમાં ભાજપ ગુજરાત મોડલની વાત કરે છે પણ અહીંયા રોડ રસ્તાના પણ ઠેકાણા નથી અને જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તા તૂટેલા છે, સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે, હોસ્પિટલોની હાલત ખરાબ છે, હોસ્પિટલોમાં લોકોનો સરખી રીતે ઈલાજ પણ નથી થતો, યુવાનો પાસે રોજગારી નથી, ખેડૂતો પાસે ખાતર નથી, શું આ છે ગુજરાત મોડલ?

કડીની જનતાને મારી અપીલ છે કે, જો આ પરિસ્થિતિને બદલવી હોય તો કડીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તમારા ભાઈ સમાન જગદીશ ચાવડાને જંગી બહુમતીથી વિજય બનાવો. કારણ કે જગદીશ ચાવડા કડીની જનતાનો અવાજ ગુજરાત વિધાનસભા સુધી પહોંચાડશે. જગદીશ ચાવડા ખેડૂતો માટે લડત લડશે, યુવાનો માટે અવાજ ઉઠાવશે, વ્યાપારીઓ માટે અવાજ ઉઠાવશે, અને સમગ્ર ગુજરાતના લોકોના હક અને ન્યાય માટે અવાજ ઉઠાવશે. તો આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઝાડુંના ચિન્હ પર બટન દબાવીને યુવા ઉમેદવાર જગદીશ ચાવડાને વોટ આપો અને વિજય બનાવો.

(9:47 PM IST)