News of Tuesday, 17th June 2025
ગુજરાતમાં મેઘતાંડવ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સક્રિય : વરસાદગ્રસ્ત વિસ્તારોની વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા : 'ઝીરો કેઝ્યુઅલ્ટી'ના અપ્રોચ સાથે તંત્રને સતર્ક રહેવા આદેશ!
મોડી સાંજે SEOC પહોંચી વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી : NDRF-SDRFની ટીમો તૈનાત : નીચાણવાળા વિસ્તારોમાંથી 259 લોકોનું સ્થળાંતર : 139નું રેસ્ક્યુ, સૌરાષ્ટ્રમાં પૂલો પર ચેતવણી બોર્ડ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવા સૂચના

રાજકોટ : ગુજરાતમાં અનરાધાર વરસાદની સ્થિતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે મોડી સાંજે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) પહોંચીને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તેમજ પોલીસ, હવામાન વિભાગ, NDRF અને કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે તંત્રની સતર્કતા અને સજ્જતાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
વરસાદગ્રસ્ત જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જનજીવનને થયેલી અસર અંગે સીધી માહિતી મેળવવા સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ પણ યોજી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં નદીઓમાં પૂર આવવાને કારણે નાના પૂલો, નાળા અને કોઝવે પરથી ભયજનક રીતે વહેતા પાણીમાં કોઈ વાહન કે વ્યક્તિ ન જાય તેની સઘન તકેદારી રાખવાની કડક સૂચનાઓ તેમણે આપી હતી. એટલું જ નહીં, આવા સંવેદનશીલ સ્થળોએ ચેતવણી સૂચક બોર્ડ લગાવવા અને જરૂર જણાયે પોલીસ બંદોબસ્ત ગોઠવવાના પણ નિર્દેશો આપ્યા હતા. બોટાદ અને અમરેલી જિલ્લાના કલેક્ટરો સાથે તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા બચાવ, રાહત અને અન્ય કામગીરીની વિશેષ સમીક્ષા કરી હતી.
સંપર્ક નેટવર્ક અને સ્થળાંતર પર ભાર:
મુખ્યમંત્રીએ ભારે વરસાદને કારણે જે વિસ્તારોના ગામોમાં સંપર્ક અને કોમ્યુનિકેશન નેટવર્કને અસર પહોંચી છે, ત્યાં તાત્કાલિક સેટેલાઇટ ફોન અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરીને તે ગામોનો સંપર્ક પ્રસ્થાપિત કરવાની સૂચનાઓ આપી હતી. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું તેમજ પશુઓ અને ઢોર-ઢાંખરનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની યોગ્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આશ્રય સ્થાનોમાં ખાવા-પીવાની અને આરોગ્યની પૂરતી સુવિધા જળવાઈ રહે તે માટે પણ જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ આપી હતી.
NDRF-SDRFની ટીમો તૈનાત, 'ઝીરો કેઝ્યુઅલ્ટી' લક્ષ્ય:
વરસાદી સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા અને આપત્તિના સમયે નાગરિકોના બચાવ માટે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની 12 ટીમો 12 જિલ્લાઓમાં ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના 20 જિલ્લાઓમાં SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. આમ, રાજ્યના બધા જ જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમો સ્થાનિક પ્રશાસનની જરૂરિયાત મુજબ મદદ માટે તૈનાત રાખવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં વ્યાપક વરસાદની જે આગાહી કરી છે તે સંદર્ભમાં પણ તંત્ર વાહકોને પૂરતું આયોજન કરીને 'ઝીરો કેઝ્યુઅલ્ટી'ના અપ્રોચથી સતર્ક રહેવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
બંધ માર્ગોને પુનઃ કાર્યરત કરવા સૂચના:
ભારે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ 259 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યમાં 139 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી હાલની સ્થિતિએ જે માર્ગો બંધ છે, તે માર્ગોને સત્વરે પુનઃ કાર્યરત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી હતી.
આ મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોષી અને અધિક મુખ્ય સચિવો તથા વરિષ્ઠ સચિવો, NDRF અને હવામાન વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
