<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

નકલી ડીવાયએસપી બની ૩૮ લાખ પડાવ્‍યાઃ અસલી પોલીસે દબોચ્‍યો

ગાંધીનગરમાં ખેતીની જમીન લીધી છે તેના માટે નાણાની જરૂર છે કહી બિલ્‍ડર પાસેથી ઉછીના લઇ પાછા ન દીધાઃ તપાસ થતાં ભાંડો ફુટયોઃ જીતેન્‍દ્રસિંહ રાઠોડની ધરપકડ : જીતેન્‍દ્ર રાઠોડે સીએમ સુરક્ષાના ડીવાયએસપીની ઓળખ આપી હતી એક કર્મચારીની બદલી કરાવી આપવાના નામે પણ ૭ લાખ કટકટાવ્‍યા!

રાજકોટ તા. ૧૭: બનાસકાંઠાના વડગામના છાપીમાં બિલ્‍ડર સાથે નકલી ડીવાયએસપીએ લાખોની ઠગાઇ કરી છે. પોતે સીએમ સુરક્ષામાં ડીવાયએસપી છે તેવી ઓળખ આપી ગઠીયાએરૂપિયા ૩૮ લાખ ઉછીના બિલ્‍ડર પાસેથી લઇ લીધા હતાં. પછી નક્કી થયેલા સમય મુજબ તેણે રૂપિયા પાછા ન આપતાં બિલ્‍ડરે તપાસ કરાવતાં પોતાની પાસેથી નાણા લઇ જનારો શખ્‍સ નકલી ડીવાયએસપી બનીને આવ્‍યાનું ખુલતાં પોલીસને જાણ કરતાં અસલી પોલીસે કાર્યવાહી કરી નકલી ડીવાયએસપી જીતેન્‍દ્ર રાઠોડને ઝડપી લીધો હતો.

વધુ માહિતી અનુસાર છાપીની શુકુન વિલા બગ્‍લોઝમાં છ માસ પૂર્વે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈનો જીતેન્‍દ્રસિંહ ઉદેશીંહ રાઠોડ પોતે ડીવાયએસપી હોવાનું અને મુખ્‍યમંત્રીની સુરક્ષામાં ફરજ બજાવતો હોવાનું જણાવી શુકુન વિલામાં એક મકાન રૂપિયા પચાસ હજારની સુથી આપી ત્રીસ લાખમાં વેચાણથી લીધું હતું. પણ મકાનનું કામ અધુરૂં હોવાના કારણે અન્‍યનું મકાન ભાડે રાખી પરિવાર સાથે રહેતો હતો. જે અવારનવાર બિલ્‍ડરની ઓફીસમાં આવી બેસતો હતો. દરમિયાન ૨૦ ફેબ્રુઆરી૨૦૨૫ના રોજ બિલ્‍ડર વિજયભાઈ ચૌધરી અને તેમના ભાઇ ધનરાજભાઈ હાજર હતા ત્‍યારે જીતેન્‍દ્ર રાઠોડ ત્‍યાં આવ્‍યો હતો અને ગાંધીનગર જિલ્લાના કુંડાસણ ગામે ૭૦ લાખમાં જમીન ખરીદી છે. તેમ કહી પંદર દિવસ માટે નાણાંની માંગણી કરી હતી.

વિશ્વાસ રાખીને અને નાણા માંગનાર અસલી ડીવાયએસપી છે તેમ સમજીને બિલ્‍ડરે તેને રૂપિયા ૩૮ લાખ રોકડા ઉછીના આપ્‍યા હતા. પરંતુ વાયદા મુજબ નાણાં પરત ન આપતા અને નાણા લઇ જનાર ડીવાયએસપી ફરાર થઇ જતાં બિલ્‍ડરે તપાસ કરાવી હતી. જેમાં જીતેન્‍દ્ર રાઠોડ નામે પોલીસ ડિપાર્ટમેન્‍ટમાં અને મુખ્‍યમંત્રીની સુરક્ષામાં કોઇ ન હોવાનું સામે આવતાં બિલ્‍ડર ચોંકી ગયા હતાં. પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતાં વિજયભાઇ ચૌધરીએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નકલી ડીવાયએસપીને વડગામ કોર્ટમાં રજુ કરી પોલીસે બે દિવસના રિમાન્‍ડ માંગ્‍યા હતા. જ્‍યાં ન્‍યાયાધીશે એક દિવસના રિમાન્‍ડ મંજુર કર્યા હતા. જેમાં નકલી ડીવાયએસપીને અન્‍ય વ્‍યકિતઓ સાથે આ રીતે ઠગાઇ કરી છે કે કેમ? તેની તપાસ હાથ ધરી છે.

છાપી હાઇવેથી ટીમ સાથે નકલી ડીવાયએસપીને તેની ખાનગી કાર સાથે ઝડપી લીધો હતો. જેની પાસેથી મોડાસાના કુંડાસણ ગામ તેમજ યાત્રાધામ અંબાજીના રહેઠાણનું આધારકાર્ડ સહિતના દસ્‍તાવેજો કબ્‍જે લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમ છાપી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર હિનાબેન વાઘેલાએ જણાવ્‍યુ઼ હતું. પ્રાથમિક તપાસમાં એ પણ ખુલ્‍યું છે કે નકલી ડીવાયએસપી જીતેન્‍દ્રસિંહ રાઠોડે છાપીના એક કર્મચારીની બદલી કરાવી આપવાના નામે રૂપિયા ૭ લાખ પડાવ્‍યા છે. આ અંગે અલગથી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

(2:32 PM IST)