તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 16th June 2025
પ્લેન ક્રેશમાં આણંદની ક્રિનલ મિસ્ત્રીએ જીવ ગુમાવ્યો :દીકરીના અંતિમ શબ્દો યાદ આવતાં પિતાની આંખમાં વહેતી આંસુ ધારા
ક્રિનલ 7 જૂને પરત ફરવાની હતી. પરંતુ વર્ક પરમિટ ન મળતાં એજન્ટે તેને બે-ત્રણ દિવસ પછી પરત ફરવાની સલાહ આપી. જેથી તેણે 12 જૂનની ટિકિટ બુક કરાવી હતી

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 241 એર ઇન્ડિયાના મુસાફરોમાં 23 વર્ષીય ક્રિનલ મિસ્ત્રીનો પણ સમાવેશ થાય છે. ક્રિનલ બે વર્ષ પહેલા સ્ટૂડેન્ટ વિઝા પર લંડન ગઈ હતી. થોડા દિવસો પહેલા તે દાંતની સારવાર કરાવવા અને તેના પરિવારને મળવા આણંદ આવી હતી. આમ તો, ક્રિનલ 7 જૂને પરત ફરવાની હતી. પરંતુ વર્ક પરમિટ ન મળતાં એજન્ટે તેને બે-ત્રણ દિવસ પછી પરત ફરવાની સલાહ આપી. જેથી તેણે 12 જૂનની ટિકિટ બુક કરાવી હતી
આણંદની 23 વર્ષીય ક્રિનલ મિસ્ત્રીના અંતિમ શબ્દો યાદ આવતાં પિતાની આંખમાં આંસુ રોકી શકતાં નથી. આખો પરિવાર શોકમાં ડુબેલો છે. આજે સોમવારની સવારે ક્રિનલ મિસ્ત્રીનો મૃતદેહ તેના માદરે વતન આણંદ શહેરના ઉત્સવ પાર્ક સોસાયટીમાં તેના ઘરે પહોંચતાની સાથે જ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો.
ક્રિનલના માતા અને પિતા સુરેશભાઈ તેને એરપોર્ટ પર છોડીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને વિમાન દુર્ઘટનાના સમાચાર મળ્યા અને તેઓ એરપોર્ટ પર પાછા ફર્યા હતા. ત્યારે તેના માતા-પિતાને પણ ખબર નહોતી કે તેઓ તેમની પુત્રીને છેલ્લી વાર વિદાય આપી રહ્યા છે.
આ દુઃખની ઘડીમાં ક્રિનલના સંબંધીઓ અને પડોશીઓ તેના પરિવાર સાથે ખભા મિલાવીને સાત્વના આપી રહ્યા છે. પરંતુ ક્રિનલના માતા -પિતા દીકરીના અંતિમ શબ્દો યાદ કરી આંસુ રોકી શકતાં નથી.
ધારાસભ્ય યોગેશ પટેલ, સાંસદ મિતેશ પટેલ, પરિવારના સભ્યો અને નેતાઓ સાથે ક્રિનલને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર કૈલાશ ભૂમિ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. આટલી નાની ઉંમરે ક્રિનલના મૃત્યુથી પરિવારજનો, સગાં સંબંધિઓ આઘાતમાં છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
