<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા નદીમાં નહાવા પડેલા ભાઈ- બહેન તણાયા :ભાઈનો બચાવ: બહેનની શોધખોળ

ગોલ્ડન બ્રિજ નીચે ગડખોલ પાટીયા પાસે આવેલા કોવિડ સ્મશાન નજીક ઘટના : બિહારના નિવાસી અને હાલમાં અંકલેશ્વર જલારામ સોસાયટીમાં રહેતા ભાઈ-બહેન નર્મદા નદીના કિનારે ન્હાવા ગયા અને પાણીના પ્રવાહમાં તણાયા

અંકલેશ્વરના કોવિડ સ્મશાન નજીક ભાઇ-બહેન નર્મદા નદીમાં ન્હાવા પડ્યા હતા. અચાનક જ પાણીના પ્રવાહના કારણે તેઓ બંને તણાવા લાગ્યા હતા. જેમાં ભાઇનો આબાદ બચાવ થયો છે જ્યારે બહેન પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. આ ઘટનાના કારણે ફાયર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 

 

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર પાસે આવેલા ગોલ્ડન બ્રિજ નીચે ગડખોલ પાટીયા પાસે આવેલા કોવિડ સ્મશાન નજીક આ દુખદ ઘટના બની. જેમાં બિહારના નિવાસી અને હાલમાં અંકલેશ્વર જલારામ સોસાયટીમાં વસવાટ કરતાં ભાઈ-બહેન નર્મદા નદીના કિનારે ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક જ બંને તણાવા લાગ્યા હતા. ભાઈએ ખૂબ જ પ્રયાસ કર્યો પણ પોતાની આંખો સામે પોતાની બહેનને ડૂબતી અટકાવી શક્યો નહિ. 

 

ભાઇ જેમ-તેમ કરીને બહાર નીકળવામાં સફળ રહ્યો જ્યારે બહેન મધુબેન દીપુસિંહ ઉંમર અંદાજે 22 વર્ષ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ભાઈએ આ ઘટનાની જાણ તરત નજીકના નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલી પોલીસ ચોકી પર દોડી જઈને જણાવી હતી. જેથી પોલીસ, સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને ફાયર વિભાગ દ્વારા હાલમાં શોધખોળની કામગીરી ચાલી રહી છે. 

(1:56 PM IST)