તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th June 2025
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
રાજ્યના ૧૨.૪૨ લાખથી વધુ બાંધકામ શ્રમયોગીઓ માટે સંકટ સમયની સાંકળ છે અંત્યેષ્ટિ સહાય યોજના : મૃત્યુના કિસ્સામાં ₹૧૦ હજારની સહાય : છેલ્લા ૧૦ વર્ષમાં ૧૩૦૭ પરિવારોને ₹૮૬.૮૬ લાખ ચૂકવાયા

ગાંધીનગર, [જૂન ૧૨, ૨૦૨૫]: ગુજરાત સરકાર મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકોના જીવનના અંતિમ પડાવે પણ તેમના પરિવારજનોનો સાથ નિભાવી રહી છે. રાજ્યની સંવેદનશીલ ‘અંત્યેષ્ટિ સહાય યોજના’ દ્વારા આકસ્મિક મૃત્યુના કિસ્સામાં શ્રમિક પરિવારોને આર્થિક ટેકો પૂરો પાડવામાં આવે છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૮ માં ₹૨૦૦૦ ની સહાયથી શરૂ કરેલી આ યોજનામાં, વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સહાયની રકમ વધારીને ₹૧૦,૦૦૦ કરી દેવામાં આવી છે.
અંત્યેષ્ટિ સહાય યોજના સૌથી વધુ જોખમી મજૂરી કરતા બાંધકામ શ્રમયોગીઓ માટે સંકટ સમયની સાંકળ સમાન છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મકાન અને અન્ય બાંધકામ શ્રમિકનું અચાનક મૃત્યુ થાય ત્યારે તેમના પરિવારજનોને તાત્કાલિક આર્થિક મદદરૂપ થવાનો છે, જેથી તેઓ અંતિમ સંસ્કારની વિધિ કરી શકે. છેલ્લા ૧૦ વર્ષમાં, આ યોજના હેઠળ ૧૩૦૭ શ્રમિક પરિવારોને કુલ ₹૮૬.૮૬ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
શ્રમિકોના ‘અંત સમયે’ પણ પડખે રહે છે રાજ્ય સરકાર
યોજનાના નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર લાખો બાંધકામ શ્રમિકોની પડખે ‘અંત સમયે’ પણ ઊભી રહે છે. અંત્યેષ્ટિ સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત કોઈપણ શ્રમયોગીના મૃત્યુના કિસ્સામાં તેના પરિવારજનોને ₹૧૦ હજારની સહાય આપે છે.
આ યોજનાનું સંચાલન ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા થાય છે. રાજ્ય સરકારના ઈ-નિર્માણ પોર્ટલ પર નોંધાયેલા ૧૨ લાખ ૪૨ હજાર ૨૪થી વધુ શ્રમિકો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ સાથે જોડાયેલા છે. બોર્ડમાં નોંધાયેલા આ શ્રમિકો માટે અંત્યેષ્ટિ સહાય યોજના અત્યંત ઉપયોગી બની રહી છે.
છેલ્લા ૧૦ વર્ષમાં ૮૬.૮૬ લાખની સહાય ચૂકવાઈ
બોર્ડમાં તેમજ ઈ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલા ૧૮થી ૬૦ વર્ષની વયજૂથના કોઈપણ બાંધકામ શ્રમિકનું ચાલુ મેમ્બરશીપ દરમિયાન મૃત્યુ થાય, ત્યારે મૃતકના પરિજનોને આ યોજના હેઠળ ₹૧૦ હજારની સહાય ચૂકવવામાં આવે છે. શ્રમિકના મૃત્યુ પછી છ માસની અંદર તેના વારસદારે sanman.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવાની રહે છે. બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, વર્ષ ૨૦૧૫-૧૬થી ૨૦૨૪-૨૫ સુધી એટલે કે છેલ્લા ૧૦ વર્ષમાં મૃતક શ્રમયોગીઓના પરિવારજનોને કુલ ₹૮૬.૮૬ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
યોજના હેઠળની સહાય રાશિમાં ઉત્તરોત્તર વધારો
રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૮ માં જ્યારે અંત્યેષ્ટિ સહાય યોજના લાગુ કરી, ત્યારે યોજના હેઠળની સહાય ₹૨૦૦૦ હતી. ૨૦૧૫-૧૬ માં અંત્યેષ્ટિ સહાય યોજના હેઠળ સહાયની રકમ ₹૫૦૦૦ કરવામાં આવી હતી. ત્યારબાદ, મે ૨૦૨૦ થી આ સહાય રાશિ વધારીને ₹૭૦૦૦ અને એપ્રિલ ૨૦૨૨ માં વધારીને ₹૧૦,૦૦૦ કરવામાં આવી. આમ, રાજ્ય સરકારે બાંધકામ શ્રમિકો માટેની અંત્યેષ્ટિ સહાય યોજનાની રકમમાં સતત વધારો કર્યો છે. સહાયની રકમમાં વધારાને કારણે છેલ્લા ૫ વર્ષોમાં લાભાર્થી પરિવારોને મળનારી આર્થિક સહાયમાં નોંધપાત્ર વધારો થયો છે. આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો, ૨૦૧૫-૧૬ થી ૨૦૧૯-૨૦ સુધીના શરૂઆતના પાંચ વર્ષોમાં લાભાર્થી પરિવારોને મળનારી સહાયરાશિ માત્ર ₹૩૦.૨૨ લાખ હતી, જેની સામે ૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫ માં મૃતક શ્રમયોગીના પરિવારોને અંત્યેષ્ટિ સહાય યોજના હેઠળ ₹૫૬.૬૪ લાખની સહાય ચૂકવવામાં આવી છે. આ વધારો રાજ્ય સરકારની શ્રમિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
