<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરદાર પટેલના સ્વરાજ આશ્રમની ભાવુક મુલાકાત

સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણી પૂર્વે બારડોલી ખાતે ખેડૂત સંમેલન પહેલા સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી : ખેડૂતોના સંઘર્ષની વિગતો મેળવી

બારડોલી, [જૂન ૧૨, ૨૦૨૫]: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ભવ્ય ઉજવણીના ઉપલક્ષ્યમાં બારડોલી ખાતે આયોજિત ખેડૂત સંમેલન પહેલા સરદાર સાહેબની કર્મભૂમિ સ્વરાજ આશ્રમ, બારડોલીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને ભાવાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વરાજ આશ્રમમાં આવેલ સરદાર નિવાસની પણ મુલાકાત લીધી હતી. આશ્રમના ટ્રસ્ટીગણ પાસેથી તેમણે સરદાર સાહેબે ખેડૂતો માટે કરેલા સંઘર્ષ અને બારડોલી સત્યાગ્રહ દ્વારા વલ્લભભાઈ પટેલ ‘સરદાર’ તરીકે કેવી રીતે ઓળખાયા તેની વિગતવાર જાણકારી મેળવી હતી.
આશ્રમના સંચાલકોએ જણાવ્યું હતું કે, સરદાર સાહેબ સ્વરાજ આશ્રમમાં તેમના નિવાસ દરમિયાન જે ખંડમાં રહીને વિવિધ રાષ્ટ્રહિત પ્રવૃત્તિઓ કરતા હતા, તે ખંડ અને ત્યાં રાખવામાં આવેલ સ્મૃતિ ચિન્હોનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું અને સરદાર સાહેબને ભાવપૂર્વક વંદના કરી હતી.
આશ્રમના સંચાલકોએ, ખાસ કરીને સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના આ વર્ષમાં મુખ્યમંત્રી સ્વરાજ આશ્રમની મુલાકાતે આવ્યા તે બદલ ખુશી વ્યક્ત કરી હતી. સરકાર દ્વારા આશ્રમને કરવામાં આવતી મદદ અંગે ટ્રસ્ટીગણે મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. આશ્રમના પ્રમુખ ભીખાભાઈ પટેલ, ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલ અને મંત્રી નિરંજનાબેને મુખ્યમંત્રીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન સુરતના સાંસદ મુકેશભાઈ, ધારાસભ્યો ગણપતસિંહ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, સંદીપભાઈ દેસાઈ, મોહનભાઈ, કલેક્ટર ડૉ. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, પૂર્વ જિલ્લા પ્રમુખ ભાવિનભાઈ પટેલ તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(12:56 PM IST)