તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
વડોદરાના રક્ષિતકાંડમાં ત્રણ હજાર પેજની ચાર્જશીટ તૈયાર: 111 સાક્ષીઓને ચકાસ્યા: પ્રાંશુને મોટી રાહત
રક્ષિતે તો બ્રેક પર પગ મૂક્યો જ નહોતો: કારની મલ્ટીક્લોઝન બ્રેક એક્ટિવ થઈ ગઈ હતી

વડોદરામાં હોળીના દિવસે રાત્રે નશો કરી 140ની ઝડપે વોક્સવેગન કાર દોડાવી રક્ષિત ચૌરસિયાએ આમ્રપાલી રોડ પાસે 8 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મોત થયું હતું. આ કેસમાં કારેલીબાગ પોલીસે ચાર્જશીટ તૈયાર કરી દીધી છે, ત્યારે પોલીસે 90 દિવસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે.
કારેલીબાગ પોલીસ દ્વારા રક્ષિતકાંડની સમગ્ર તપાસ સાથે ત્રણ હજાર પેજની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં કુલ 111 સાક્ષીઓને ચકાસ્યા બાદ તેમના નિવદેન લેવાયા હતા. આ સમગ્ર તપાસમાં 10 પોલીસ અધિકારી અને પોલીસ જવાનો પણ જોડાયા હતા. ચાર્જશીટ પ્રમાણે અકસ્માત બાદ પણ 5 સેકન્ડ સુધી રક્ષિત ચૌરસિયાની કારની સ્પીડ 140 હતી. ત્યાર બાદ કારની મલ્ટીક્લોઝન બ્રેક એક્ટિવ થઈ ગઈ હતી, જેથી કાર ઓટોમેટિક ઊભી રહી હતી. રક્ષિતે તો બ્રેક પર પગ મૂક્યો જ નહોતો.
રક્ષિતકાંડના આરોપી પ્રાંશુ ચૌહાણની ગાંજાના કેસમાં અટક ગેરકાયદે અને ગેરબંધારણીય માની તાત્કાલિક મુક્ત કરવાના મેજિસ્ટ્રેટના હુકમ સામે સરકાર દ્વારા કરવામાં આવેલી રિવિઝન અરજીને વડોદરા સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે અને મેજિસ્ટ્રેટના હુકમને યોગ્ય માન્યો છે. કારેલીબાગ પોલીસ દ્વારા તા. 5 એપ્રિલ, 2025ના રોજ અટકાયત કરવામાં આવી હતી. પ્રાંશુના વકીલ દ્વારા લેવાયેલા વાંધા ગ્રાહ્ય રાખીને પ્રાંશુને મોટી રાહત આપી છે.
રક્ષિતકાંડમાં અકસ્માતને નજરે જોનારા 12 સાક્ષીનાં BNSSની કલમ 183 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યાં છે. પોલીસે 100ની આસપાસ સાક્ષીઓ પણ ચકાસ્યા છે. શરૂઆતમાં પોલીસે પ્રાંશુ અને સુરેશને સાક્ષી બનાવ્યા હતા, પરંતુ ફોરેન્સિક રિપોર્ટમાં બંનેએ ડ્રગ્સ લીધું હોવાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જેથી પોલીસે બંને સામે ગુનો દાખલ કર્યો હતો અને પ્રાંશુ તથા સુરેશની ધરપકડ કરી હતી. પોલીસે અકસ્માત સમયે આરોપી રક્ષિતનો વીડિયો ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો હતો. રક્ષિતનો વીડિયો અને 8 એંગલથી લેવાયેલા ફોટો પણ મેચ થઈ ગયા છે.
26 નવેમ્બર 2024ના રોજ પ્રાંશુએ પોતાની વોક્સવેગન કાર રક્ષિતને ચલાવવા માટે આપી હતી. એ દિવસે રક્ષિતે ફુલ સ્પીડમાં કાર ચલાવીને ડિવાઈડર પર ચડાવી દીધી હતી. એ દિવસે કોઈ જાનહાનિ થઈ નહોતી. આસપાસના લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ અકસ્માતનો રિપોર્ટ પણ કંપનીએ પોલીસને આપ્યો છે. પ્રાંશુ જાણતો હતો કે રક્ષિતને ફુલ સ્પીડમાં કાર ચલાવવાની ટેવ છે તેમ છતાં પ્રાંશુએ રક્ષિતને બીજીવાર કાર ચલાવવા માટે આપી હતી અને રક્ષિતે અકસ્માત કરીને મહિલાનું મોત નિપજાવ્યું હતું.
રક્ષિતકાંડની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, પરંતુ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોની હજી પણ સારવાર ચાલી રહી છે. પીડિત પરિવારોએ જણાવ્યું હતું કે અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે. આ કેસમાં આરોપીને સજા મળશે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
