તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક: સુરક્ષા વ્યવસ્થા અંગે કરાઈ ચર્ચા
રથયાત્રામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા ગૃહ રાજ્યમંત્રીએ કર્યા નિર્દેશ: પોલીસ સીસીટીવી અને ડ્રોન મારફત સમગ્ર રથયાત્રા પર રાખશે નજર: ભાડા કરાર ન કરનાર મકાનમાલિકો સામે પોલીસે કરી કાર્યવાહી

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં DGP વિકાસ સહાય અને અમદાવાદ CP, ક્રાઈમબ્રાંચ અને સ્પે.બ્રાંચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી ગુજરાત પોલીસના હાથમાં હોય છે. જેને લઈને ગૃહ રાજ્યમંત્રીએ બેઠક બોલાવી હતી. બેઠકમાં અમદાવાદની પરંપરાગત રથયાત્રાના સુચારૂ આયોજન માટે સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રથયાત્રામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા ગૃહ રાજ્યમંત્રીએ નિર્દેશ કર્યા હતા.
રથયાત્રાની સુરક્ષાને લઈને પોલીસ તૈયાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા દરમિયાન પોલીસ સીસીટીવી અને ડ્રોન મારફત સમગ્ર રથયાત્રા પર નજર રાખશે આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં રથયાત્રા સમયે સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાય તેની કાળજી પણ લેવામાં આવશે.
રથયાત્રાની સુરક્ષામાં પોલીસે AI ટેક્નોલોજીથી સજ્જ કેમેરાથી નજર રાખવાની તૈયારી કરી છે. આ AI ટેક્નોલોજીથી સજ્જ કેમેરાથી પોલીસ ભીડ પર નજર રાખશે. આ ઉપરાંત ભીડની હિલચાલ પર ક્રાઈમબ્રાંચની પણ બાજ નજર રહેશે.
રથયાત્રાના રુટમાં આવતા મકાનોમાં જે-જે ભાડુઆતો રહેવા આવ્યા છે આ તમામના ભાડા કરાર કરાવવા ફરજીયાત કરવામાં આવ્યા છે. ત્યારે જે મકાન માલિકોએ ભાડે રહેવા આવેલા ભાડુઆતોના ભાડા કરાર નથી કરાવ્યા તેમના સામે કાર્યવાહી કરી છે. 500થી વધુ મકાનમાલિકો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
