<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ધારાસભ્યો સાથે પરામર્શ બેઠક : નાણાં અને ઊર્જા વિભાગના અનેક ખેડૂતલક્ષી-પ્રજાલક્ષી નિર્ણયો જાહેર

વીજળી બિલમાં રૂ. ૧૯૦૦ કરોડથી વધુની રાહત : ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી અને ૭-૧૨ માં સહમાલિકની સંમતિ વગર જોડાણનો ઐતિહાસિક નિર્ણય : ૧૦૮ જેવી વીજ ઇમરજન્સી સેવા ટૂંક સમયમાં શરૂ થશે

ગાંધીનગર : નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સાંસદસભ્યો અને ધારાસભ્યો સાથેની સ્થાયી પરામર્શ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને હકારાત્મક રીતે લઈને મંત્રીએ તેનો સત્વરે ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
કનુભાઈ દેસાઈએ બેઠકમાં ઉપસ્થિત સૌ સાંસદસભ્યો, ધારાસભ્યો અને તમામ ખાતાના વડાઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, સમયાંતરે યોજાતી આવી સ્થાયી પરામર્શ સમિતિની બેઠકના પરિણામે પડતર પ્રશ્નોનો સત્વરે નિકાલ આવે છે. ગત બેઠક દરમિયાન ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા મોટાભાગના પ્રશ્નોનો સુયોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ધારાસભ્યોના સૂચનોથી પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સરળતા રહે છે.
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રજાલક્ષી નિર્ણયો
મંત્રી કનુભાઈ દેસાઈએ નાણાં તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલ પ્રજાલક્ષી નિર્ણયો અને કામગીરીથી ધારાસભ્યોને માહિતગાર કર્યા હતા. પ્રજાલક્ષી મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે:
 * સ્ટેમ્પ ડ્યુટી અને GST માં સુધારા: સ્ટેમ્પ ડ્યુટી તેમજ GST માં ઘણા બધા પ્રજાલક્ષી સુધારા કરવામાં આવ્યા છે.
 * ઈ-વ્હીકલ અને મેક્સી કેટેગરીના વાહનોમાં વેરા ઘટાડો: ઈ-વ્હીકલ તથા મેક્સી કેટેગરીના પેસેન્જર વાહનોમાં વેરાના દરમાં ઘટાડો કરવામાં આવેલ છે.
 * ખેડૂતોને વીજળીની રાહત: રાજ્યના ખેડૂતોના વીજ બિલમાં ફિક્સ ચાર્જમાં ઘટાડો કરવામાં આવેલ છે, અને રાજ્યના ૯૮% ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહી છે.
 * ૭-૧૨ ના ઉતારામાં સરળતા: ૭-૧૨ ના ઉતારામાં એક કરતા વધારે સહમાલિક હોય તો વીજ જોડાણ મેળવવા માટે હવેથી સહમાલિકની સંમતિની જરૂર રહેશે નહીં. તેના બદલે અરજદાર દ્વારા નોટરાઈઝ્ડ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે. આ ઉપરાંત, ૭-૧૨ ના ઉતારામાં એક કરતા વધારે સહમાલિકના નામ હોય તો દરેક સહમાલિકને તે સર્વે નંબર/જમીનના ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર વીજ જોડાણ આપવામાં આવશે.
 * વીજ બિલમાં મોટી રાહત: રાજ્યના વીજ ગ્રાહકોના હિતમાં ફ્યુઅલ ચાર્જમાં કરવામાં આવેલ ઘટાડાને કારણે વીજ ગ્રાહકોને વીજ બિલમાં રૂ. ૧૯૦૦ કરોડથી વધુની રાહત મળી છે.
 * ગામતળ બહાર વીજ જોડાણ: ગામતળની બહારના વિસ્તારમાં રહેણાક હેતુના સિંગલ ફેઝ વીજ જોડાણ માટે ખેતીવાડી ફીડર પરથી હવે ૩ KW ના બદલે ૬ KW સુધીનું સિંગલ ફેઝનું વીજ જોડાણ વાસ્તવિક ખર્ચને બદલે ફિક્સ ચાર્જમાં મળી શકશે.
 * જ્યોતિગ્રામ ફીડર અને કુટીર જ્યોતિ યોજના: નોન-ટ્રાયબલ વિસ્તારમાં જૂથમાં આવેલા ૧૫ મકાનોને બદલે જૂથમાં આવેલા ૧૦ મકાનો હોય તો પણ જ્યોતિગ્રામ ફીડર પરથી વાસ્તવિક ખર્ચને બદલે ફિક્સ ચાર્જમાં વીજ જોડાણ આપવાનો નિર્ણય થયેલ છે. કુટીર જ્યોતિ યોજના અંતર્ગત જૂના માપદંડમાં લાભાર્થીના ઘર હળવા દબાણની વીજ રેષાથી ૧૦૦ મીટરની અંદર આવેલા હોય તો જ યોજનાનો લાભ મળતો હતો, હવે ૧૦૦ મીટરથી દૂર આવેલા લાભાર્થીઓને પણ આવરી લેવામાં આવેલ છે.
 * વીજભાર મર્યાદામાં વધારો: લો-ટેન્શન કેટેગરીના જોડાણ માટે વીજભારની મર્યાદા ૧૦૦ KW હતી, જે હવે વધારીને ૧૫૦ KW કરવામાં આવી છે. હાઈ ટેન્શન કેટેગરીના વીજ જોડાણ માટે ઉદ્યોગકારે પોતાની માલિકીનું ટ્રાન્સફોર્મર મૂકવાનું થતું હતું, જેનાથી ખર્ચ અને જમીનની સમસ્યા થતી હતી. આ નિર્ણયથી આ સમસ્યાઓનું નિવારણ થયું છે.
નવી વીજ ઇમરજન્સી સેવા અને ઓનલાઈન ફરિયાદ સિસ્ટમ
મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ કારણોસર વીજળી ખોરવાય તેવા પ્રસંગો આવે છે. આવા પ્રસંગોએ વીજળી પુન:કાર્યરત થઈ શકે તે માટે રાજ્ય સરકાર આકસ્મિક સેવા પણ ટૂંક સમયમાં શરૂ કરશે. જે રીતે હેલ્થ ઇમરજન્સી સમયે લોકો ૧૦૮ નંબરથી એમ્બ્યુલન્સ મેળવે છે, તેવી જ રીતે ટોલ ફ્રી નંબરથી વીજળી પુન:કાર્યરત કરવા પણ ટીમ ઘટના સ્થળે પહોંચશે. આ અદ્યતન મોડેલ અત્યારે તૈયાર થઈ રહ્યું છે. આ ઉપરાંત, રાજ્યના નાગરિકો પોતાના વીજ પ્રશ્નો પણ ખૂબ જ સરળતાથી ઓનલાઈન રજીસ્ટર કરી શકશે.
આ બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા વીજ પોલ, ખેડૂતોના વળતર, નવા સબ-સ્ટેશન કાર્યરત કરવા, અન્ડરલાઈન કેબલ લાઇન, વીજ ચોરી, સ્માર્ટ મીટર, જ્યોતિ ગ્રામ યોજના, ખેડૂતોને અપાતા વીજ કનેક્શન સહિત GIDC માં વીજ પુરવઠો પૂરો પાડવા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ, નાણાં વિભાગના સચિવો, ગુજરાત ગેસ પેટ્રોલીયમ કોર્પોરેશનના મેનેજીંગ ડીરેક્ટર, ગુજરાત ઊર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડીરેક્ટર, જીએસટી કમિશનર, નાણા વિભાગના અધિક સચિવ, UGVCL, PGVCL, DGVCL, MGVCL અને GETCO ના મેનેજીંગ ડીરેક્ટર, નાણાં અને ઊર્જા વિભાગના નાયબ સચિવો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:07 PM IST)