<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩% થી વધુ જથ્થો : રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૪૪% થી વધુ જળસંગ્રહ : ચોમાસા પહેલા સુખદ સ્થિતિ

ગત વર્ષ કરતા પાણીનો જથ્થો વધુ : સુજલામ સુફલામ અભિયાનની ફળશ્રુતિ : ધોળીધજા અને મચ્છુ-૩ જળાશય ૯૧% થી વધુ ભરેલા : ઉનાળામાં પણ પાણીની અછત નહીં

ગાંધીનગર, મંગળવાર, ૧૦ જૂન ૨૦૨૫: ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસાનું આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે રાજ્ય માટે એક સારા સમાચાર છે. ગત વર્ષે થયેલા સાર્વત્રિક અને પૂરતા વરસાદના પરિણામે, હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં તેમની કુલ સંગ્રહ શક્તિના ૪૪.૧૮ ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના ૫૩.૦૪ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી પૂરું પાડવામાં આવશે.
જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે કે, ગત વર્ષે આ જ સમયે, એટલે કે, ૧૦ જૂન ૨૦૨૪ની સ્થિતિએ રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૪૦.૮૧ ટકા જળસંગ્રહ હતો. આ વર્ષે પાણીનો જથ્થો વધુ હોવાથી ચોમાસા પહેલાની સ્થિતિ ઘણી સુખદ છે.
પ્રદેશવાર જળસંગ્રહ અને જળ સંચયના પ્રયાસો
પ્રદેશવાર જળસંગ્રહની વિગતો જોઈએ તો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં સૌથી વધુ ૪૪.૦૮ ટકા જળસંગ્રહ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૩.૨૫ ટકા, ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૯.૩૮ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૨૮.૧૦ ટકા અને કચ્છના ૨૦ જળાશયોમાં ૨૭.૫૭ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં સરકારે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અને નલ સે જલ અભિયાન જેવા અનેક જળ સંચયના અભિયાનો શરૂ કર્યા છે, જેના પરિણામે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ના આહ્વાનને સાકાર કરવા માટે ગુજરાતમાં ‘કેચ ધ રેઈન- સુજલામ સુફલામ જળ અભિયાન ૨.૦’નો મહેસાણાના દવાડાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
કેટલાક જળાશયોમાં ઉચ્ચ જળસ્તર
રાજ્યના કેટલાક જળાશયોમાં નોંધપાત્ર પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધોળીધજા અને મોરબીના મચ્છુ-૩ જળાશયમાં હાલ ૯૧ ટકાથી વધુ પાણી ઉપલબ્ધ છે. જ્યારે કચ્છના કાલાઘોઘા જળાશયમાં ૮૨ ટકાથી વધુ, રાજકોટના ભાદર-૨માં ૭૭ ટકાથી વધુ, છોટા ઉદેપુરના સુખી જળાશયમાં ૭૪ ટકાથી વધુ તેમજ રાજકોટના આજી-૨માં ૭૩ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.
સમગ્ર રાજ્યના ૦૬ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયેલા છે, ૨૦ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયેલા છે, અને ૭૧ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરેલા છે. આ સંતોષકારક જળસંગ્રહના પરિણામે, ઉનાળા દરમિયાન પણ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરિકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવ્યું છે તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે. આ સ્થિતિ આગામી ચોમાસા માટે પણ સકારાત્મક સંકેતો આપી રહી છે.

 

(4:34 PM IST)