<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

15 જૂને ગુજરાત તરફ આવશે ચોમાસુ :અઠવાડિયામાં આખા ગુજરાતને ઘમરોળશે: 7 દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

12 જૂને ઓડિશાના દરિયા કાંઠે એક સિસ્ટમ સક્રિય થતાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનશે. આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધતા મહારાષ્ટ્ર સુધી પહોંચશે

અમદાવાદ : કેરળમાં નિર્ધારિત સમય કરતાં પહેલા ચોમાસાએ દસ્તક દીધા પછી તે ધીમી ગતિએ આગળ વધ્યું હતુ. જેથી આ વર્ષે 1 જૂનની આસપાસ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ જશે તેવું અનુમાન હતુ. જો કે ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યુ અને મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ, જેના પરિણામે ચોમાસું મોડું પડી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી ત્રસ્ત ગુજરાતીઓ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યાં છે, જેમના માટે એક સારા સમાચાર છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અત્યારે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના પરિણામે 11 જૂનથી ચોમાસું ફરીથી સક્રિય થશે અને આગળ વધશે. આ દરમિયાન મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય 12 જૂને ઓડિશાના દરિયા કાંઠે એક સિસ્ટમ સક્રિય થતાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનશે. આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધતા મહારાષ્ટ્ર સુધી પહોંચશે, જેના પરિણામે મૉન્સૂન બ્રેકના કારણે મુંબઈ નજીક થંભેલું ચોમાસું ફરી સક્રિય થઈને આગળ વધી શકે છે.

એટલે કે 15 જૂનની આસપાસ ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે. જેના પરિણામે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ચોમાસું વિધિવત બેસી શકે છે. જ્યારે 22 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને ચોમાસું આવરી લેશે.

અત્યારે રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર તરફ ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વલસાડ, દાહોદ, નર્મદા, ડાંગ, સુરત અને નવસારીમાં વરસાદ પડવાની શક્યતા છે.

જો આજના તાપમાનની વાત કરીએ તો, ગુજરાતમાં ગરમીનો પારો પણ સતત વધી રહ્યો છે. આજે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી, અમદાવાદમાં 40 ડિગ્રી નોંધાયું છે.

(8:51 PM IST)