તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
શાળા પ્રવેશોત્સવ તા. ર૬ થી ર૮ : ધો.૯-૧૧ માં પ્રવેશ પર વિશેષ ભાર
શાળા વ્યવસ્થાપન સમિતિઓની સક્રિયતા જરૂરીઃ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરની અકિલા સાથે વાતચીત :મુખ્યમંત્રી અધ્યક્ષતામાં થઇ વિડીયો કોન્ફરન્સઃ બાલવાટીકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગોને આવરી લેવાયા

રાજકોટ, તા. ૧૦: રાજય સરકાર દ્વારા ગઇકાલથી શાળાઓમાં વેકેશન ખુલતા તા. ૧૮ થી ર૦ જુન સુધી શાળા પ્રવેશોત્સવ યોજવાનું અગાઉ નકકી થયેલ. આ નિર્ણય થયા પછી ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર થતા આચાર સહિતાના કારણે શાળા પ્રવેશોત્સવ મોકુફ રાખવામાં આવેલ. હવે નવેસરથી તારીખ નકકી થઇ છે. તા. રર મીએ પંચાયતોની ચુંટણી થઇ જાય અને પરીણામ જાહેર થઇ જાય પછી તા. ર૬ થી ર૮ જુન રાજય વ્યાપી પ્રવેશોત્સવ યોજવાનું નકકી થયુ છે. આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા શિક્ષણમંત્રીઓ ડો. કુબેરભાઇ ડીંડોર અને પ્રફુલભાઇ પાનસેરીયાની હાજરીમાં ગાંધીનગરથી દરેક જિલ્લા શિક્ષણ તંત્ર અને વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાયેલ. જેમાં શાળા પ્રવેશોત્સવના નવા કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી.
રાજયના શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરએ આજે બપોરે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે અગાઉ શાળા પ્રવેશોત્સવની તારીખ નકકી થયેલ તેમાં પંચાયતોની ચુંટણીના કારણે ફેરફાર થયો છે હવે તા. ર૬ થી ર૮ શાળા પ્રવેશોત્સવ યોજાશે. બાલવાટીકા, પ્રાથમિક શાળા, માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાશે. અધિકારીઓ અને પદાધિકારીઓ ગામડે ગામડે જઇ શાળા પ્રવેશોત્સવમાં ભાગ લેશે. આ વખતે ધો. ૯ અને ૧૧ માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. અધવચ્ચેથી શાળાકીય અભ્યાસ છોડવાનું પ્રમાણ ઘટાડવા સરકાર પ્રયત્નશીલ છે. સરકારી અને ગ્રાંટેબલ શાળાઓના સંચાલનમાં લોકભાગીદારી રહે તે માટે શાળા વ્યવસ્થાપન સમિતિ સંપુર્ણ સક્રિય કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિડીયો કોન્ફરન્સમાં શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમાર, મુખ્યમંત્રી કાર્યલયના ઉચ્ચ અધિકારી અવંતિકાસિંઘ ઔલખ, વિક્રાંત પાંડે, શિક્ષણ નિયામક એમ. આઇ. જોષી વગેરે ઉપસ્થિત રહયા હતા.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
