<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

દર્દીઓ સાથે ડોક્ટરનો ખરાબમાં ખરાબ વ્યવહાર

મહિસાગરના આરોગ્ય કેન્દ્રમાં ધાંધિયાઃડૉક્ટર બિભત્સ શબ્દો બોલી સારવાર આપ્યા વગર દર્દીઓને આરોગ્ય કેન્દ્રમાંથી કાઢી મૂકે છે જેથી દર્દીઓ મજબૂર થઈને ત્યાંથી પરત જતા રહે છે

લુણાવાડા,તા.૯

મહિસાગરના લુણાવાડામાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર દ્વારા મનમાની કરી દર્દીઓ સાથે ગેરવર્તણૂકથી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અહીંયા દર્દીઓ ઈલાજ માટે તો આવે તેમને પરત મોકલી દેવામાં આવે છે. સાથે જ તેઓને બીજા દવાખાનામાં જતા રહેવાનું કહેવામાં આવે છે. જેથી અહીંયાના ગરીબોને હાલ ભારે હાલાકી પડી રહી છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોંઠબા આરોગ્ય કેન્દ્રમાં આવતા ગરીબ દર્દીઓને ડોક્ટર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દર્દીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ડૉક્ટર બિભત્સ શબ્દો બોલી સારવાર આપ્યા વગર દર્દીઓને આરોગ્ય કેન્દ્રમાંથી કાઢી મૂકે છે. જેથી દર્દીઓ મજબૂર થઈને ત્યાંથી પરત જતા રહે છે.

જિલ્લાના લુણાવાડા તાલુકાના કોંઠબા ગામ વિસ્તારમાં આવેલા અંદાજિત ૨૫ જેટલાં ગામોને આવરીને લોકોને ઘર આંગણે આરોગ્ય સેવા મળી રહે તે હેતુથી સરકાર દ્વારા કરોડોના ખર્ચે અધ્યતન સુવિધાઓથી સજ્જ ૨૪ કલાક સેવા મળી રહે તેવું સરકારી આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે અને આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભરતી કરવામાં આવી છે.

જોકે આ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દ્વારા દર્દીઓને સેવા આપવી તો દૂરની વાત છે, પોતાના ગુસ્સામાં રહી અનેક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા દર્દીઓને ધમકાવી આરોગ્યની મફત સેવા ન આપી પોતાની ફરજ પર બેદરકારી દાખવી ડોક્ટર દર્દીઓને ધુત્કારી રહ્યા છે. જેથી દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં પૈસા ચૂકવી સારવાર કરાવવા મજબૂર બન્યા હોવાનું સ્થાનિક દર્દીઓ જણાવી રહ્યા છે.

છેલ્લા કેટલાય સમયથી આરોગ્ય કેન્દ્રમાં ગુસ્સામાં મહિલા ડોક્ટર હોવાથી સારવાર કરાવવા આવતા દર્દીઓને જેમ તેમ વર્તન કરી રહ્યા છે. કેટલાક સિરિયસ દર્દીઓ સાથે પણ ડોક્ટરને ન શોભે તેવું વર્તન કરી રહ્યા છે. દર્દીઓ હોસ્પિટલના સમય ગાળા દરમિયાન આવતા હોય છે. બપોરે ૧૨ વાગ્યા આવતા હોય તે દર્દીઓને બીજે દવાખાને જવાનું કહી દેવામાં આવે છે.

કેટલીક વાર તો દર્દીઓની મોટી મોટી લાઈનો હોય અને ડોક્ટર *ટાઈમ પૂરો થઈ ગયો છે* કહી અન્ય હોસ્પિટલમાં જાઓ તેવું દર્દીઓને કહી દેવામાં આવે છે. ત્યારે દર્દીઓ *હજુ બપોરે ૧૨ પણ વાગ્યા નથી* તેવું ડોક્ટરને કહેતા ડોક્ટર દર્દીઓને જેમ ફાવે તેમ બોલી દર્દીઓને સરકારી હોસ્પિટલમાંથી કાઢી મૂકવામાં આવી રહ્યા છે.

સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કરી આધુનિક હોસ્પિટલ ગરીબ દર્દીઓને ઘરે જ સારવાર મળી રહે તે હેતુથી સરકારી હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે. પરંતુ હોસ્પિટલના ડોક્ટરને ગરીબ દર્દીઓની સારવાર અને સેવા કરવા માટે સરકાર મોટા મોટા રૃપિયા પગાર પેટે ચૂકવે છે. ત્યારે આવા જ ડોક્ટરો સરકારી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે તો સરકારના નિયમોની અવગણના કરી પોતાના નિયમો ચલાવવામાં આવશે તો કેવી રીતે હોસ્પિટલ ચાલશે તે એક મોટો સવાલ જોવા મળી રહ્યો છે.

હાલ તો હેરાન પરેશાન બનેલા સ્થાનિક દર્દીઓ દ્વારા આરોગ્ય કેન્દ્રની વડી કચેરી વડોદરા ખાતે પણ ફરિયાદ કરવામાં આવી છે. તેમજ ડોક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરી અન્ય નવા ડોક્ટર કે જે ગરીબ દર્દીઓની સારવાર કરે તેવા ડોક્ટરની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે કેવી કાર્યવાહી ડોક્ટર પર કરવામાં આવે છે તે જોવું રહ્યું.

(10:23 PM IST)