તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
અમદાવાદ :પતિને જેલમાંથી બહાર કાઢવા પત્નીએ અપનાવ્યો એવો રસ્તો કે મહિલાને જ પતિ સાથે જેલમાં ધકેલી દીધી : જાણો સમગ્ર કાંડ
પતિને થયેલી જેલની સજા બાદ ચુકાદાની અપીલ કરવા માટે થનારા ખર્ચાની રકમ ભેગી કરવા મહિલા પોતે પણ ગુનેગાર બની ગઈ

અમદાવાદ :દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં જેલવાસ ભોગવી રહેતા પતિને છોડાવવા માટે તેની પત્નીએ એક રસ્તો અપનાવ્યો, જે રસ્તાએ તેને પતિને જેલમાંથી બહાર કાઢવાને બદલે તે મહિલાને જ પતિ સાથે જેલમાં ધકેલી દીધી. પતિને થયેલી જેલની સજા બાદ ચુકાદાની અપીલ કરવા માટે થનારા ખર્ચાની રકમ ભેગી કરવા મહિલા પોતે પણ ગુનેગાર બની ગઈ છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સીરીનબાનુ મોહમદ શરીફ શેખ અને રમીઝ બેલીમ નામનાં બન્ને આરોપીઓની ડ્રગ્સનાં વેચાણનાં ગુનામાં ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે રામોલમાં વિનાયક પાર્ક પાસે એક મહિલા બાઉન્સર ડ્રગ્સનું વેચાણ કરે છે, જે બાતમીનાં આધારે ત્યાં તપાસ કરતા આ બન્ને જણા ડ્રગ્સ સાથે મળી આવ્યા હતા. આરોપીઓ પાસેથી 3.41 લાખની કિંમતનો 34 ગ્રામ 180 મિલીગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાંચે બન્ને સામે ગુનો દાખલ કરી પુછપરછ હાથ ધરી હતી.
આરોપીની પુછપરછ કરતા સામે આવ્યું કે સીરીનબાનુનો પતિ મોહમદ શરીફને શેખ સમય પહેલા રામોલ પોલીસે દુષ્કર્મનાં ગુનામાં પકડ્યો હતો. જે કેસમાં કોર્ટ દ્વારા તેને 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. પતિ જેલમાં જતા રહેતા સીરીનબાનુંએ તેને છોડાવવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા, જોકે તેમાં તે નિષ્ફળ જતા પતિને છોડાવવા માટે કોર્ટે કરેલી સજામાં અપીલ કરવા માટે અને આગળ કેસ લડવા માટે પૈસાની જરૂર હતી. જે સમયે તેનો પરિચય બાપુનગરનાં એક શખ્સ સાથે પરિચય થયો અને તેણે મહિલાને ડ્રગ્સનાં ધંધામાં ઝંપલાવવા સલાહ આપી અને મુંબઈનાં એક ડ્રગ્સ સપ્લાયરનો સંપર્ક કરાવ્યો હતો. જે બાદ સીરીનબાનુ મુંબઈ ગઈ અને 50 હજાર રૂપિયામાં આ ડ્રગ્સ લાવી હતી. સહ આરોપી રમીઝ બેલીમ પોતે ડ્રગ્સનો બંધાણી હોય તે રામોલનાં તનવીર નામનાં યુવક પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો.
આ બન્ને આરોપીઓ ભેગા મળીને રામોલ નજીક ડ્રગ્સ વેચવા માટે નીકળ્યા હતા, જોકે ક્રાઈમ બ્રાંચે બન્નેને પકડી પાડ્યા છે, તેવામાં આ કેસમાં સંકળાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પતિને છોડાવવા માટે ગુનાખોરીનાં રસ્તે ચઢેલી પત્નીને પણ પતિ સાથે જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
