તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
ખરીફ મકાઈના પાકમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે ખેડૂતોએ શું કરવું? ખેતી નિયામકની કચેરીએ મહત્વપૂર્ણ માર્ગદર્શન જાહેર કર્યું
વાવણી પૂર્વે જમીનની ઊંડી ખેડ, રોગપ્રતિકારક બિયારણની પસંદગી, પાક ફેરબદલી અને સમયસર વાવેતર પર ભાર : જીવાત નિયંત્રણ માટે પ્રાકૃતિક અને રાસાયણિક ઉપચારો સૂચવાયા

ગાંધીનગર, ૦૯ જૂન ૨૦૨૫: ગુજરાતભરના ખેડૂતો દ્વારા ખરીફ પાકોના વાવેતરની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂતો પોતાના પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને ઊંચી આવક મેળવી શકે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર દરેક તબક્કે ખેડૂતોની પડખે ઊભી છે. આ જ હેતુસર, રાજ્યની ખેતી નિયામકની કચેરી દ્વારા સમયાંતરે વિવિધ પાકની વાવણી પહેલાં અને વાવેતર સમયે શું કરવું અને શું ન કરવું તે અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે. આ અંતર્ગત, ખરીફ મકાઈ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે કેટલાક મહત્વપૂર્ણ પગલાં સૂચવવામાં આવ્યા છે.
ખરીફ મકાઈ પાકના વાવેતર પહેલાં અને વાવેતર સમયે ખેડૂતોએ લેવા જેવા પગલાં:
જમીન અને બિયારણ વ્યવસ્થાપન:
ખેતી નિયામક કચેરીના માર્ગદર્શન મુજબ, ખેડૂતોએ સૌપ્રથમ જમીનમાં દિવસ દરમિયાન ઊંડી ખેડ કરવી જોઈએ. આનાથી જમીનમાં રહેલા કોશેટા બહાર આવશે અને પક્ષીઓ દ્વારા તેમનું કુદરતી નિયંત્રણ થઈ શકશે. વાવણી માટે તંદુરસ્ત અને રોગમુક્ત બિયારણ વાપરવું અનિવાર્ય છે, સાથે જ રોગપ્રતિકારક જાતો પસંદ કરવી હિતાવહ છે. એક જ જમીન પર મકાઈનું વાવેતર વારંવાર ન કરતા, પાકની ફેરબદલી કરવી ખૂબ જ જરૂરી છે. ભલામણ કરેલી ખેતી પદ્ધતિઓનો સમયસર ઉપયોગ કરવો જોઈએ.
પિયત અને ખાતરનો વપરાશ:
મકાઈમાં પાછોતરા સૂકારા રોગના નિયંત્રણ માટે સારા નિતારવાળી જમીન વાવણી માટે પસંદ કરવી જોઈએ. જમીનનું તાપમાન નીચું રહે તે માટે ટૂંકા ગાળે પિયત આપવાથી રોગમાં ઘટાડો થાય છે. પિયત અને રાસાયણિક ખાતરનો વપરાશ ભલામણ મુજબ જ કરવો જોઈએ.
રોગ-જીવાત નિયંત્રણ માટે મહત્વપૂર્ણ ઉપાયો:
* ગાભમારાની ઇયળ: મકાઈમાં ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે મગ, અડદ, તુવેર અથવા ચોળા આંતરપાક તરીકે વાવવા.
* વાવણીનો સમય: રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો રહે તે માટે મકાઈની વાવણી તા. ૧૫ જૂનથી ૩૦ જૂન સુધીમાં કરી દેવાની ભલામણ કરવામાં આવે છે.
* જમીન સુધારણા: વાવેતર પહેલાં લીંબોળીનો ખોળ ૧ ટન પ્રતિ હેક્ટર નાખવો.
* લશ્કરી ઇયળ (ફોલ આર્મીવોર્મ): પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળના નિયંત્રણ માટે ગુજરાત આણંદ પીળી મકાઈ હાઇબ્રીડ-૧ (GAYMH-1) અને ગુજરાત આણંદ પીળી મકાઈ હાઇબ્રીડ-૩ (GAYMH-3) જેવી ઓછી સંવેદનશીલ જાતોનું વાવેતર કરવું.
* પાનના સુકારા/તડછારો: પાનના સુકારા તેમજ તડછારો રોગ સામે ગુ.આ.પી. સં.મ.-૧, ગુ.આ.સ.સં.મ.-૨, ગુ.આ.પી.સં.મ.-૩, ગંગા સફેદ-૨, ગંગા સફેદ-૧૧, ગુજરાત મકાઈ-૨, ૪, ૬, નર્મદા મોતી, ગંગા-૫, ડેક્કન-૧૦, શ્વેતા, નવીન અને જવાહર જેવી પ્રતિકારક જાતોની વાવણી કરવી.
* ગાભમારા/સાંઠાની ઈયળ: આ ઈયળના વ્યવસ્થાપન માટે બિયારણનો દર વધારે રાખવો. શરૂઆતમાં ઉપદ્રવ લાગેલા છોડને ઉપાડી ઈયળ સહિત નાશ કરવાથી ઉપદ્રવ ઘટાડી શકાય અને એકમ વિસ્તારમાં છોડની સંખ્યા જાળવી શકાય.
બીજ માવજત અને પ્રાકૃતિક ખેતી:
* પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો: આવા ખેડૂતોએ બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું. વાવેતર સમયે ૧૦૦ કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાખવું.
* રોગ નિયંત્રણ માટે બીજ માવજત: મકાઈમાં બીજનો કોહવારો, પાનનો સૂકારો અને ઉગતા છોડનો સૂકારો અટકાવવા માટે બીજને જૈવિક ફૂગનાશક તરીકે ટ્રાયકોડર્મા ૬ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ દીઠ માવજત આપીને વાવવા અથવા જરૂરિયાત મુજબ, ફૂગનાશક દવા તરીકે થાયરમ અથવા કાર્બેન્ડેઝિમ ૨-૩ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજની માવજત આપીને વાવણી કરવી.
* લશ્કરી ઇયળ સામે રાસાયણિક રક્ષણ: ટપકાંવાળી લશ્કરી ઇયળ સામે રક્ષણ માટે બીજને કીટનાશકના તૈયાર મિશ્રણ સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૯.૮% + થાયામેથોકઝામ ૧૯.૮% એફએસ, ૬ મિ.લિ./કિ.ગ્રા. પ્રમાણે સપ્રમાણ પાણી ભેળવી બીજ માવજત આપી છાંયડે સૂકવીને પછી વાવેતર કરવું.
આ સૂચિત પગલાં અપનાવવાથી ખેડૂતો ખરીફ મકાઈના પાકમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકશે અને વધુ સારું ઉત્પાદન મેળવી શકશે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
